સુરતની ભાંડુત ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાંડુત ગ્રામ પંચાયતના તલાટીએ મકાનનાવેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવાના અવેજ પેટે લાંચની માંગણી કરતા ACB એ છટકુ ગીઠવી લાંચિયા તલાટીને રંગેહાથ ઝડપી લીધા છે. તલાટી સામે લાંચ રુશ્વત ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાડુંત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હિતેન્દ્ર સિંહ દોલતસિંહ પરમારે ભાડુત ગામે વેચાણથી રાખી જમીન રાખનાર ખાતેદાર પાસે લાંચ માંગી હતી. જમીનમાં આવેલ મકાનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવાના અવેજ પેટે ગ્રામ પંચાયતના તલાટી હિતેન્દ્ર સિંહએ 11,000 રૂપિયાની લાંચ માંગી હતી. બન્ને પક્ષ વચ્ચે લાંબી રકઝક બાદ આખરે 4000 રૂપિયા નક્કી થયા હતા.

આ અંગે જમીન માલિકે સુરત જિલ્લા ACB નો સંપર્ક કર્યો હતો.ACB એ તુરત છટકુ ગોઠવી તલાટી કમ મંત્રી હિતેન્દ્ર સિંહને 4000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.