માનસિક અસ્વસ્થ મહિલા બબીતાબેનનો 3 વર્ષ બાદ પરિવાર સાથે થયો મિલાપ

  • બિહારની મહિલા સખી વન સ્ટોપ સેન્ટરના સતત પ્રયત્નોથી 3 વર્ષે પરિવારને મળી.
  • મહિલાના પરિવાર સાથે સંપર્ક કરવામાં સખી વન સ્ટોપ સેન્ટર બન્યું સફળ માધ્યમ.

દાહોદ,ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે વિના મૂલ્યે હિંસાથી અસરગ્રસ્ત બહેનો, વિખૂટી પડેલ બહેનો તેમજ યુવતીઓને તમામ પ્રકારની સેવા સહિત સારવાર હેઠળ રાખવામાં આવે છે. જ્યાં તેમને સતત પ્રયત્નોથી તેઓના પરિવાર સાથે સંપર્ક કરી તેમને તેઓના પરિવારને સોંપી દેવામાં આવે છે.

દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ઘણી બહેનોને મદદ કરીને તેમને પરિવારને પરત કરવામાં આવે છે. અહીં સેન્ટર દ્વારા અનેક માનસિક રીતે અસ્વસ્થ બહેનોનું સારવાર સહિત પરિવાર સાથે મિલન કરાવવામાં સખી વન સ્ટોપ સેન્ટર સફળ રહ્યું છે.

અહીં વાત કરીએ બિહારની એક એવી બહેનની કે જે 3 વર્ષ પહેલાં લગ્ન થયા બાદ તે પોતાના પુત્રના મૃત્યુ બાદ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી. દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે પોતાના પરિવારથી અલગ ભૂલથી ઉતરી ગઈ હતી. તેમજ માનસિક રીતે અસ્વસ્થ મહિલા મળી આવતાં તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દાહોદ રેલ્વે પોલીસ તેનો ભાષાકીય સંપર્ક કરી શકવામાં અસમંજસમાં પડી હતી. કેમકે તેની ભાષા ભોજપુરી હતી. તેથી તે બહેનની સુરક્ષા હેતુ 181 મહિલા અભ્યમ ટીમનો સંપર્ક કરી તેમને સોંપવામાં આવી હતી. ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી માધવી ચૌહાણના યોગ્ય માર્ગદર્શન હેઠળ તેમજ સિવિલ જજ દાહોદના એ.આર.ધોરી મારફત કાનૂની સેવા સત્તા મંડળ દાહોદ કક્ષાની મોનીટરીંગ કમિટીના સભ્યો, ડીસ્ટ્રીક્ટ પ્રોટેક્શન ઓફિસર પી.આર.પટેલ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની આકસ્મિક મુલાકાત દરમ્યાન બબીતાબેનની આપવીતી સાંભળી તેઓ તેમના પરિવારને જેમ બને એમ જલ્દી મળી રહે તે માટેના પ્રયત્નો કરવા જણાવાયું હતું.

બબીતાબેનના સતત કાઉન્સેલિંગ કર્યા બાદ બિહારના સખી વન સ્ટોપ સેન્ટરનો તેઓ સંપર્ક કરી શક્યા હતા. સતત લાંબો સમય સુધી પરિવારથી અલગ આ બહેનને પરિવારના હૂફ, લાગણી અને સાંત્વનાની જરૂર હતી જેને પરત મેળવવામાં સખી વન સ્ટોપ સેન્ટરના સતત પ્રયત્નશીલ પ્રયાસોથી સફળ નીવડ્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટરના સતત પ્રયત્નો થકી વર્ષો બાદ પોતાની વિખૂટી દિકરી પરિવારજનોને મળતાં સખી વન સ્ટોપ સેન્ટરના તેમજ ત્યાંના કર્મચારીઓની પરિવારજનોએ આભાર સહ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ સંસ્થાના ઘણા પ્રયત્નો બાદ તેના ઘર-પરિવાર સાથે સંપર્ક કરવામાં સફળતા મળી હતી. આ પરિવારના વાલીઓ જ્યારે સંસ્થા ખાતે બબિતાબેનને લેવા માટે આવ્યા ત્યારે ભાવુક દ્રષ્યો સર્જાયા હતા. ત્યારે સંસ્થાના કર્મીઓની આંખો પણ લાગણી ભીની થઇ ગઇ હતી.