દાહોદ,ગુજરાતની 26 સીટો પર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા આજરોજ ગાંધીનગર ખાતેથી વર્ચુઅલી લોકસભા ચુંટણીના કાર્યાલયનું ગુજરાતના મુખ્યમંત્રી અને સીઆર પાટીલના અધ્યક્ષસ્થાને પાર્ટી કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજરોજ દાહોદ ખાતે પણ દાહોદ લોકસભા માટે મધ્યસ્થી ચુંટણી કાર્યાલયનું વિજયી મુહુર્તમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લોકસભા ચુંટણીના પ્રભારી રામસીંગભાઈ રાઠવા, દાહોદ જીલ્લાના પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોર, મંત્રી કૈલાશબેન પરમાર, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, જીલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ અમલાયીર, જીલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ ડામોર, મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, દાહોદની તમામ સીટોના ધારાસભ્યો લોકસભા સીટના મીડીયાના પ્રભારી તરૂણભાઈ બારોટ, સહ પ્રભારી વિપુલભાઈ ઠાકોર સહિત અન્ય મહાનુભવો આ પ્રસંગે જોડાયા હતાં. શ્રીરામ પાર્ટી પ્લોટ ખાતે વાજતે ગાજતે મહાનુભવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભવોનું સ્વાગત કરી દિપ પ્રાગટ્યથી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવોએ જય શ્રી રામના નારા સાથે સભા સંબોધી આવનાર સમયમાં દાહોદની લોકસભા સીટ પાંચ લાખ કરતાં પણ વધુ વોટોથી જીતાડવાનું આહ્વાન કર્યુ હતું. ભાજપના કાર્યકરો ઘરે ઘર જઈ ગુજરાત તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ આમ જન સુધી પહોંચાડે, સરકારની વિકાસ ગાથા લોકો સમક્ષ રજુ કરે, દેશના વડા પ્રધાન મોદી ના હસ્તે ગતરોજ થયેલ ભગવાન શ્રીરામજીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને ઉત્સાહભેર કાર્યકરો લોકસભા ચુંટણીમાં જોડાયા તેમ માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. દાહોદ સહિત ગુજરાતની 26 એ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય તે માટે મંચ પર ઉપસ્થિત પ્રભારીઓ અને પ્રદેશ નેતૃત્વએ હુંકાર ભર્યો હતો. સભા સંબોધન બાદ મધ્યસ્થી કાર્યાલયનું વિજયી મુહુર્તમાં શુભારંભ રીબીન કાપી દીપ પ્રગટાવી ને કરવામાં આવ્યો હતો.