ગોધરા લોકસભા ચૂટણીને લઈને ભાજપે શરૂ કરી તૈયારી, ગોધરા શહેરમાં કાર્યાલયનો શુભારંભ ભાજપા નેતા બચૂ ખાબડના હસ્તે શુભારંભ

ગોધરા,પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ચૂંટણી કાર્યાલયનું રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે આજથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ભાજપ દ્વારા કાર્યાલયને સતત ધમધમતું રાખીને પંચમહાલ બેઠક જીતવા માટે પ્રયત્ન કરવામાં આવશે. તેમજ પંચમહાલ જિલ્લાની લોકસભા બેઠક પરથી10 લાખની લીડ આપવા કાર્યકરોને હાકલ કરી હતી. કોગ્રેસ ઉપર આડકતરી રીતે ચબખા મારતા કહ્યું કે વિરોધીઓ જે ભેગા થયા હતા તે વિખેરાઈ ગયા છે અને કોંગ્રેસનું નામ જ ન લેવા પણ હાકલ કરી હતી. અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર રામ પ્રતીષ્ઠા બાદ એક નવા યુગની શરૂઆત થઇ છે માટે જ્યારે 2019 માં આવું કાઈ નહોતું ત્યારે 4.5 લાખ ની લીડ વિજેતા બનતા હતા. ત્યારે હવે તો નવા યુગની શરૂઆત થઈ છે.

દેશમાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓ યોજવામાં આવનાર છે. જેના માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા પણ સમગ્ર ગુજરાતમાં આવેલી તમામ લોકસભા બેઠક જીતવા માટે કમર કસી લેવામાં આવી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં ભાજપ દ્વારા પોતાના ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે. ગોધરા શહેરના દાહોદ રોડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે પંચમહાલ લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના વિવિધ હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મંત્રી બચુભાઇ ખાબડે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દેશમાંથી કોંગ્રેસ સહિતના તમામ પક્ષોનો સફાયો થઈ ગયો છે.

ગઈકાલે જ ભાજપ દ્વારા ભારતને રામમંદિરની ભેટ આપવામાં આવી છે. જેને લઇ નવા રાજકીય ગઠબંધનને ડર ઘુસી ગયો છે. આગામી 2024 લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો જીતવા માટે કાર્યકર્તાઓએ નિર્ધાર કરવાનો છે. પંચમહાલ લોકસભા બેઠક પર ગત ચૂંટણીમાં 5 લાખ મતથી ભાજપનો વિજય થયો હતો. ત્યારે આગામી ચુંટણીમાં આ આંકડો ડબલ થઈને 10 લાખ મતથી ભાજપ વિજયી બનવું જોઈએ. આ માટે તમામ કાર્યકર્તાઓએ આજથી મહેનત શરૂ કરી દેવા માટે મંત્રી બચુભાઇ ખાબડે આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રતનસિંહ રાઠોડ, ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજી, મોરવા હડફ ધારાસભ્ય નિમિષા સુથાર, પંચમહાલ લોકસભા બેઠકના પ્રભારી અને ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રભારી ભરત ડાંગર સહિત જિલ્લાના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.