અંબાણી પરિવાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયો

રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનવાનું સૌભાગ્ય હાંસલ કરવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી અને પરિવારના સભ્યો પણ અયોધ્યા ખાતે પહોંચ્યા હતા. અહીં આવ્યા બાદ અંબાણી પરિવારના સભ્યો ખૂબ જ ખુશ જણાયા હતા. ૨૨ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા થતા આજનો આ રૂડો દિવસ ઇતિહાસના પાના પર આલેખાઇ ગયો છે.ત્યારે અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થયેલા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ’૨૨ જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રામ દિવાળી ઉજવવામાં આવશે’ એટલું જ નહીં મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક દિવસ છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિમિત્તે આજે દેશભરમાં તેની તમામ ઓફિસોમાં રજાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં રામમંદિરમાં રામલલ્લાના અભિષેક કાર્યક્રમ પહેલા દેશના ધનાઢય ધંધાર્થી મુકેશ અંબાણીએ પણ પોતાના આલીશાન ઘર એન્ટિલિયાને રામ નામથી સજાવ્યું હતું. રામના નામના પ્રકાશમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાએ અનોખો શણગાર ધારણ કર્યો હોય, એન્ટિલિયાની સુંદર તસવીરો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સૌ કોઇ જાણે છે કે, અંબાણી પરિવાર ભગવાનમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. અંબાણી પરિવારને રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું અને તેઓ આ પવિત્ર ઉત્સવ નિમિત્તે અયોયા આવ્યા છે. જે વેળા અંબાણી પરિવાર તમામ સભ્યોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી.