શહેરા, પંચમહાલ જીલ્લામાં શ્રીરામ ભક્તોમાં ઉમંગ નો માહોલ છવાયો હતો. જ્યારે શહેરા સહિત સમગ્ર જીલ્લામાં આવેલા રામ મંદિરો ફૂલોથી સજાવામાં આવ્યા હતા. રામ ભગવાનના ભક્તિમય ગીતો પર રામ ભક્તો ખુશીથી ઝુમતા નજરે પડવા સાથે હિન્દુ વિસ્તારના તમામ બજારો બંધ રહયા હતા.
પંચમહાલ જીલ્લામાં જયશ્રી રામના નારા સાથે ઉત્સાહ, ઉમંગનો માહોલ છવાયો હતો. અયોધ્યા રામ મંદિર ખાતે રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શહેરા સહિત સમગ્ર જીલ્લામાં આવેલા રામ મંદિરોને ફૂલોથી સજાવવા સાથે સવારથી મંદિર ખાતે દર્શન કરવા માટે ભક્તોની અવર-જવર જોવા મળી હતી. રામજી મંદિર ખાતે રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ સહિત અનેક કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. 500 વર્ષ બાદ ભગવાન રામ અયોધ્યા ખાતે રામ મંદિરમાં બિરાજમાન થતા રામ ભક્તો દ્વારા મંદિર ખાતે તેમજ જાહેર માર્ગ ઉપર આવતા જતા દરેક લોકોને ચા-નાસ્તો કરવામાં આવવા સાથે ભક્તિનો માહોલ રામ ભક્તોમાં જોવા મળી રહ્યો હતો. સમસ્ત હિંદુ સમાજ રામ ભક્તિમાં લીન થઈ જવા સાથે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક બંધ રાખ્યા હતા. જ્યારે નગરના મહત્વના વિસ્તારો અને રામજી મંદિર સહિતના ધાર્મિક સ્થળો ખાતે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.