ફતેપુરા તાલુકાના સુખસર ખાતે”વન સેતુ ચેતના યાત્રા”આવી પહોંચતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ફતેપુરા, સમગ્ર રાજ્યમાં આજથી આરંભાયેલી વન સેતુ ચેતના યાત્રાનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવસારી જીલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે. ત્યારે આજરોજ દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા યાત્રાના રથ તથા પધારેલા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ ચેન્જ જળ સંપતિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ અને જીલ્લા પ્રભારી મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર તેમજ સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને તેમજ ધારાસભ્ય રમેશભાઈ કટારા, દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર, ફતેપુરા તાલુકામાં ભાજપના જન્મદાતા મનાતા ચુનીલાલ ચરપોટ, ફતેપુરા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કલજીભાઇ સંગાડા, સુખસર સરપંચ નરેશભાઈ કટારા, સહિત વિશાળ જનમેદની વિગેરેની ઉપસ્થિતિમાં વન સેતુ ચેતના યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, આ વન સેતુ ચેતના યાત્રા દરેક લોકોને વન સાથે જોડવાનો ઉદ્દેશ છે. વડાપ્રધાનના વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સને-2023-24ના વર્ષમાં રૂપિયા 47 હજાર કરોડની જોગવાઈ કરી છે. આદિમજૂથના લોકોને પીએમ જનમન યોજના થકી 27000 પરિવારોને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. આદિવાસી પ્રજા દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલાની ચીજ વસ્તુઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા, વેચાણ માટેની શુદ્ધ વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, તેમ જણાવ્યું હતું.

જ્યારે 14 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી તમામ તીર્થ સ્થળો અને મંદિરોમાં સ્વચ્છતા અભિયાનને ઝુંબેશ રૂપે ઉપાડી છે. ફતેપુરા તાલુકામાં પણ સૌ કોઈને પોતાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવા આહવાન કર્યું હતું. અને ઉમેર્યું હતું કે, શ્રીરામ ભગવાન સાથે આપણા સૌની આસ્થા જોડાયેલી છે. 500 વર્ષ પછી આવો અનેરો અવસર આવ્યો હોય ત્યારે આગામી 22 મી જાન્યુઆરીએ આપણા રાજ્ય સહિત દાહોદ જીલ્લા અને ફતેપુરા તાલુકામાં દિવાળી જેવો માહોલની ઉજવણી કરવાની છે. તેમ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.