પંચમહાલ જિલ્લામાં વરસાદી વાતવરણમાં શરૂ થતા અદભુત ધોધ…

પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે જે ચોમાસામાં કોઈ સ્વર્ગથી ઓછુ નથી દેખાતું. ચાંપાનેર સુધી પંહોચવા માટે જંગલો વચ્ચે બનાવેલ રસ્તામાંથી થઈને જવું પડે છે અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અત્યારે ત્યાં ફરવાની મજા જ કંઇક અલગ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે 3 જુલાઈ, 2004ના રોજ ગુજરાતના ચાંપાનેર અને પાવાગઢને વિશ્વ હેરિટેજ તરીકેનો દરજ્જો પણ આપ્યો હતો. જંગલોની વચ્ચે બે એવા વૉટરફોલ આવેલા છે જ્યાં પ્રકૃતિ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે અને આહ્લાદક નજારો જોવા મળે છે. આ જગ્યા પર ટ્રેક કરીને પહોંચવું પડે છે અને રસ્તો પણ જંગલોમાંથી પસાર થાય છે.  

હાથણી માતા વૉટરફોલ 
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના અભ્યારણની સાવ નજીક આવેલ છે આ હાથણી માતા વૉટરફોલ.આ જગ્યાની ખાસિયત એ છે કે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અંહિયા ડુંગરો પરથી પાણીનો કુદરતી ધોધ વહે છે.  પંચમહાલ જિલ્લામાં આવેલ આ હાથણી માતાનો આ ધોધ જાંબુઘોડાથી 16 કિમી દૂર સરસવા ગામ પાસે આવેલ છે. પંચમહાલના મુખ્ય શહેર ગોધરાથી આ ધોધ લગભગ 56 કિલોમીટર દૂર આવેલ છે.  

ખુણિયા મહાદેવ
ચોમાસાની આ ઋતુ દરમિયાન પાવાગઢના ડુંગર પરથી ઘણાં ધોધ નીકળે છે અને એમાંથી એક ખુબ જ સુંદર અને લોકોની નજરમાં ખુબ ઓછો આવેલ ધોધ ખુણિયા મહાદેવનાં મંદિર પાસે આવેલ છે. હાલોલ થી પાવાગઢ પહોંચતાનાં રસ્તા વચ્ચે ખુણિયા મહાદેવનું મંદિર આવેલ છે. જે જંગલ વિસ્તારમાં આવેલ છે અને ત્યાં ફક્ત જંગલો વચ્ચેથી ચાલીને જ પહોંચી શકાય છે. આ મંદિરની પાસે જ એક ધોધ આવેલ છે જેને ખુણિયા ધોધ તરીકે ઓળખવામાં આવે છે. એ ધોધમાં નાહવા જવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને મંદિરની બહાર જ એક સુચના લખવામાં આવી છે.