મૂલાસણા પાંજરાપોળ જમીન કૌભાંડ પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટનો જામીન આપવા ઇન્કાર

  • લાંગાએ કલેકટર તરીકેની સત્તાનો દુરુપયોગ કરી પોતાના અંગત લાભ માટે રાજય અને પ્રજાના હિત વિરુદ્ધનું કૃત્ય કર્યું છે : હાઇકોર્ટ

અમદાવાદ,ગાંધીનગર જિલ્લાના મૂલાસણા પાંજરાપોળ જમીન કૌભાંડના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા ગાંધીનગર જિલ્લાના પૂર્વ કલેકટર એસ.કે.લાંગાને રેગ્યુલર જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે આજે એક મહત્વના આદેશ મારફતે સાફ ઇન્કાર કરી દીધો હતો. દરમિયાન એસ.કે.લાંગાએ પોતાની જામીન અરજીમાં એવો બચાવ રજૂ કર્યો હતો કે, તેમણે કરેલા સંબંધિત હુકમો અંગે સરકારે કોઇ પુન:વિચારણા કરી નથી કે તેને રદબાતલ પણ ઠરાવ્યા નથી, તેનો મતલબ કે તેમના હુકમો ખરા અન અંતિમ હતા. જો કે, એડિશનલ એડવોકેટ જનરલે સરકારનું વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, રાજય સરકારે લાંગા દ્વારા જે કોઇ હુકમો જારી કરાયા છે, તેની પુન:સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે અને તે માટેની જરૂરી પ્રક્રિયા પણ ચાલી રહી છે.

એસ.કે.લાંગાએ ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી આજે જસ્ટિસ એમ.આર.મેંગડેએ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે ગંભીર અવલોકન કરતાં જણાવ્યું કે, આરોપીએ કલેકટર તરીકેની સત્તાનો દૂરપયોગ કરી પોતાના અંગત લાભ માટે રાજય અને પ્રજાના હિત વિરૂધનું કૃત્ય આચર્યું છે. આરોપીએ ૩૦,૪૩૧ ચો.મી જેટલી જમીનના હુકમો હિત ધરાવતા લોકોને ફાળવણીના હુકમો કરી નાંખ્યા હતા, જે જમીન સરકારની માલિકીની હતી. લાંગા વિરૂધ પ્રથમદર્શનીય ગુનો બને છે.

ગાંધીનગર જિલ્લા કલેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન મૂલાસણા પાંજરાપોળ જમીન કૌભાંડ સહિતના પોતાની સત્તાનો દૂરપયોગ કરી એનએના વિવાદીત હુકમો કરવામાં આવ્યા હતા. જેને લઇને એસ.કે.લાંગા વિરૂધ ગાંધીનગર સેકટર-૭ પોલીસમથકમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ચકચારભર્યા આ કેસમાં બે મહિના બાદ આખરે પોલીસે એસ.કે.લાંગાની આબુથી ધરપકડ કરી હતી. આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ જતાં એસ.કે.લાંગાએ જામીન મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીનો સખત વિરોધ કરતાં રાજય સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ મીતેશ અમીન અને અધિક સરકારી વકીલ એલ.બી.ડાભીએ જણાવ્યું હતું કે, અરજદારે પૂર્વ કલેકટર તરીકેની સત્તા અને હોદ્દાનો દૂરપયોગ કરી ભ્રષ્ટાચારના ઓઠા હેઠળ ગેરકાયદે રીતે જમીન એન.એ. કરવા અંગેના હુકમો કર્યા હતા. જેમાં કેટલીક નંબર વિનાની જમીનોના હુકમો પણ કરી દેવાયા હતા, જે ખરેખર સરકારની માલિકીની હતી. લાંગાએ જે વ્યક્તિોએ ખેડૂત જ ન હતી તેવી વ્યક્તિઓને પણ માત્ર આથક ફાયદા માટે જમીન ફાળવણી કરી હતી. સરકારપક્ષ તરફથી તા.૨૯-૪-૨૦૧૦નો તત્કાલીન મામલતદારનો હુકમ પણ રજૂ કર્યો હતો કે જેના મારફતે હિતર્ક્તા લોકોને જમીનનો દાવો નામંજૂર કરાયો હતો. મામલતદારનો આ હુકમ ૨૦૧૪માં ડેપ્યુટી કલેકટર દ્વારા પણ કાયમ રખાયો હતો, ૨૦૧૫માં આ અંગેનો હુકમ પણ કરાયો હતો. પરંતુ વર્ષ ૨૦૧૯માં જયારે અરજદાર ગાંધીનગર કલેકટર તરીકે સત્તામાં હતા ત્યારે તેમણે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ-૨૧૧ હેઠળ સુઓમોટો રિવીઝન કરી જે હિતવાળા લોકો હતા તેમની તરફેણમાં ભ્રષ્ટાચાર આચરી હુકમો કરી નંખાયા હતા, જેના કારણે સરકારી તિજોરીને લાખો રૂપિયાનું બહુ મોટુ નુક્સાન સહન કરવાનો વારો આવ્યો હતો. આરોપીએ કલેકટર તરીકેની સત્તા અને હોદ્દાનો દૂરપયોગ કરી વિવાદીત હુકમો કર્યા હતા અને ભૂતકાળમાં પણ અદાલતની શરતોનો ભંગ કર્યો છે. આ સંજોગોમાં લાંગાની જામીન અરજી કોર્ટે ફગાવી દેવી જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ એમ.આર.મેંગડેએ એસ.કે.લાંગાના જામીન ફગાવી દીધા હતા.

સરકારપક્ષ તરફથી એવી પણ ગંભીર દહેશત વ્યક્ત કરાઇ હતી કે, એસ.કે.લાંગાને જો જામીન અપાય તો તે દેશની છોડીને ભાગી જવાની પૂરી દહેશત છે. વળી, તે કેસના સાક્ષીઓ અને પુરાવાઓ સાથે પણ ચેડા કરે તેવી શકયતા નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં હાઇકોર્ટે આરોપી લાંગાના જામીન ફગાવી દેવા જોઇએે.

સરકારે મોટો ખુલાસો કર્યો હતો કે, સુરેશ ગઢવી કે જે અરજદારનો સાળો છે તેણે તા.૨૪-૭-૨૦૨૩ના નિવેદનમાં જણાવ્યું છે કે, લાંગાની નિવૃત્તિ તા.૩૦-૯-૨૦૧૯ના દસ-બાર દિવસ પહેલાં તેમણે તેને જણાવ્યું હતું કે, રાજેન્દ્ર હેમુભાઇ ગઢવી, અમરસિંગ રાબા અને અન્ય એક વ્યક્તિ તેની પાસે આવશે અને રૂ.૮૫ લાખ આપી જશે. તે મુજબ આ વ્યક્તિઓ તેને રૂ.૮૫ લાખ આપી ગયા હતા. સરકારપક્ષે આ પુરાવા સાથે હાઇકોર્ટ સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે, આ વાત પરથી સાબિત થઇ જાય છે કે, એસ.કે.લાંગાએ ગેરકાયદે લાંચ-ભ્રષ્ટાચાર પેટે રૂ.૮૫ લાખ મેળવી હિતવાળા વ્યક્તિઓની તરફેણ કરી હતી.