મુંબઇમાં બોલિવૂડનું મહત્વ ઘટાડવા માટે ફિલ્મફેર સમારોહ ગુજરાતના ગિફ્ટ સિટીમાં લઈ જવામાં આવ્યા

ફિલ્મફેર પુરસ્કાર સમારોહ પ્રથમવાર ગુજરાતમાં યોજાઈ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. વિપક્ષોએ આરોપ મૂક્યો છે કે, મુંબઇમાં બોલિવૂડનું મહત્વ ઘટાડવા માટે ફિલ્મફેર સમારોહ ગુજરાતના ગિફ્ટ સિટીમાં લઈ જવામાં આવ્યો છે.

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને મુંબઇથી બહાર કાઢવાનો આ પ્રયાસ છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે ગયા વર્ષે ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ યોજવા માટે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. પરંપરાગત રીતે આ એવોર્ડ ફંક્શન મુંબઈમાં યોજાય છે.

આ એવોર્ડ સમારોહનું આયોજન એક ખાનગી મીડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટેનો ૬૯મો ફિલ્મફેર એવોર્ડ ગુજરાત પ્રવાસન વિભાગ સાથે મળીને ૨૭ અને ૨૮ જાન્યુઆરીએ ગુજરાતમાં ગાંધીનગર નજીક ગિફ્ટ સિટીમાં યોજાશે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું છે કે, બોલિવૂડ અને મુંબઈ અતૂટ બંધન ધરાવે છે. વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવાર કહે છે કે, ‘મુંબઈનું મહત્વ ઘટાડવાનો અને ફિલ્મ ઉદ્યોગને શહેરની બહાર લઈ જવાનો પ્રયાસ છે. આ નિર્ણયથી સિનેકામદારોના ધંધાને નુક્સાન થશે. આ પ્રયાસ મુંબઇમાં આવીને વસેલા અભિનેતાઓ, કર્મચારીઓ અને વ્યવસાયો પર ચોક્કસપણે મોટી અસર કરશે જેઓ આ ક્ષેત્ર પર નિર્ભર છે.’

એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત મુંબઈ અને મહારાષ્ટ્રમાંથી બધું જ ચોરી રહ્યું છે. ગયા વર્ષે મહારાષ્ટ્રમાંથી મોટા-મોટા પ્રોજેક્ટની ચોરી થઈ હતી. હવે, નવીનતમ પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ્સ છે કે જે ગુજરાતની ગિફ્ટ સિટીમાં યોજાય રહ્યો છે.