જે.આઈ.ભણસાલી હાઈસ્કૂલમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા રમતોત્સવ યોજાયો

હાલોલ,હાલોલ તાલુકાના ઢીંકવા ગામે આવેલી જે.આઈ.ભણસાલી સાર્વજનિક હાઈસ્કૂલમાં તા.19-01-24 ને શુક્રવારના રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ‘સ્વામી વિવેકાનંદ રમતોત્સવ’ યોજાયો હતો. જેમાં રસ્સા-ખેંચ, લંગડી દોડ, ગિલ્લી-દંડો, સંગીત ખુરશી અને લીંબુ-ચમચી જેવી રમતો રમાડવામાં આવી હતી.

બધી જ રમતોમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાનું રમત કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. સમગ્ર સ્પર્ધાઓનું આયોજન હાલોલ નગર સંયોજકો કુંજ ત્રિવેદી અને તીર્થ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.

રમતોત્સવમાં નિર્ણાયકો તરીકેની ભૂમિકા શાળાના શિક્ષકો મહેશકુમાર બી. પટેલ, જયદીપસિંહ ઠાકોર, ચાંદનીબેન શાહ અને દિવ્યાબેન જાદવ દ્વારા નિભાવવામાં આવી હતી. રમતોત્સવના અંતે શાળાના શિક્ષકો મિતલબહેન પટેલ અને અંકિતાબેન પરમારે વિદ્યાર્થીઓને ભારત દેશની પરંપરાગત રમતોનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ પ્રવીણભાઈ પટેલીયા તથા ઢીંકવા ગૃપ કેળવણી મંડળના પ્રમુખ દિલીપસિંહ પરમારે સર્વ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.