દેશમાં આસમાનને પાર કરી ગયેલ મોંઘવારીને કારણે આમ પ્રજા બેહદ ત્રસ્ત થઈ ગઈ છે. ચાલુ વર્ષ દરમિયાન દેશના કેટલાક વિસ્તારોને વરસાદી પાણીના પુરે ઘમરોળી નાખ્યા છે તો કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. ગુજરાત સહિતના કેટલાક રાજ્યો પર વર્ષારાણી મહેરબાન બની રહી છે તેમ કહીએ તો ખોટુ નથી. રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં જ્યાં પણ વૃક્ષોના ઝુંડ કે હાળમાળા છે ત્યાં વિવિધ જાતના પક્ષીઓના ટોળેટોળા જામે છે, તેમના સુંદર ગુંજન અને અવાજોને લઈને નવો નજારો અનુભવાય છે.
જે તે જળસંગ્રહ ધરાવતા વિસ્તારોમાં કુંજ પક્ષી સહિતના ધાડા ઉતરી પડ્યા છે. સારા ચોમાસાના કારણે વિવિધ કૃષિ વાવેતરો સારા પ્રમાણમાં થઈ ગયા છે કે જેના થકી મોંઘવારીના સમયમાં દેશના અર્થતંત્રને ફાયદો થશે તેમજ લોકોને માટે પણ રાહતરૂપ બની રહેશે…. પરંતુ સરકારે જીવન જરૂરી કેટલીક ચીજ- વસ્તુઓ પર જીએસટી લાદી દેતા અનેક લોકો માટે કરકસર ફરજિયાત બની રહેશે…જે ઉપવાસ, એકટાણાં કે વ્રતોને બહાને પણ હોઈ શકે છે….! બીજી તરફ ગ્લોબલ વોર્મિંગ આકરા પાણીએ વિશ્વના સાત દેશોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. જેમાં 1700 ઉપરાંત લોકોના મોત થયા છે, તો કેટલાક જંગલોમાં ગરમીને કારણે આગ લાગી છે જેની સામે રક્ષણ મેળવવાની પણ તકલીફ વધવા લાગતા અનેક લોકો તળાવો દરિયા કિનારા તરફ પાણીમાં પડીને ગરમીથી બચવાના પ્રયત્નો કરી રહ્યા છે આમ છતાં આઠથી વધુ લોકોના મોત થયા છે.
ત્યારે આધ્યાત્મિક- ધાર્મિક લોકો આ ઘટનાને કુદરતનો કહેર કહી રહ્યા છે. જ્યારે કે ખરેખર જોવા જઈએ તો આવી ઘટનાઓ ઉદભવવાના કારણોના જવાબદાર ખુદ માનવજાત છે. ગરમીથી બચવા સુખી સમૃદ્ધિ લોકોએ ઠંડક મેળવવા ‘એસી’ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કર્યો તથા ફ્રીજનો પણ ઉપયોગ કરે છે જેમાંથી નીકળતી ગરમી વાતાવરણમાં ભળે છે અને ગરમીમાં વધારો કરે છે. બીજી તરફ વિશ્વના અનેક દેશોએ આધુનિક સાધનો ઊભા કરવા, વિકાસ કામોની સ્પર્ધામાં ઉતરવા માનવ સહિતના જીવોને ઓક્સિજન આપતા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે. ઉપરાંત જળ અને વાયુ પ્રદુષણ ની ગંભીરતાથી નોંધ લીધી નથી અને તેમાં વધારો કરતા આગળ વધતા ગરમીનું પ્રમાણ વધી ગયું છે જેને કારણે વિશ્વભરની ઋતુ કાળમા ફેરફાર થઈ ગયો છે પરિણામે નાના- મોટા વાવાઝોડા રૂપે ત્રાટકીને માનવી જાતને ચેતવણી આપવા છતાં વિશ્વ ભરના માનવીઓ આ બાબતને સમજી શક્યા નથી. જેના પરિણામો હવે સામે આવવા લાગ્યા છે… જો હવે માનવજાત સમજશે નહીં તો ગરમીથી બફાઈને મરવાનો સમય આવી શકે છે…..!
ગ્લોબલ વોર્મિંગને કારણે વિશ્વભરમાં ગરમી વધવા લાગતા બર્ફીલા પ્રદેશોના બરફ મોટા પ્રમાણમા ઓગળવા લાગ્યો છે જેને કારણે દરિયાની જળ સપાટી વધવા લાગી છે પરિણામે દરિયા કિનારાના વિસ્તારો તો ડૂબશેજ પરંતુ અનેક વિસ્તારો દરિયામાં ગરકાવ જશે નાના- મોટા ટાપુઓના નામો નિશાન ખતમ થઈ જશે. ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ગરમીને કારણે આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યુ છે અને તે આગ જંગલ નજીકના શહેરોમાં પણ પ્રસરી ગઈ છે. ત્યાંના લોકો વધુ ગરમી સહન કરી શકતા નથી તેને લઈને એક હજારથી વધુ લોકોના મોત થયા છે. બ્રિટનમાં રસ્તાઓ ઓગળી ગયા છે રેલ્વે પાટાઓ વાળા થઈ ગયા છે પરિણામે. ટ્રેન- ટ્રાન્સપોર્ટ મોટાભાગના બંધ છે. ટ્રાન્સપોર્ટ- રેલવે પ્રવાસ કરવાથી લોકો દૂર થયા છે. જો ગરમી વધશે તો વીજળી, ગેસ સહિતની સેવાઓ બંધ કરવી પડશે… આ બાબતો માટે આપણે કોને ગુનેગાર ગણીશું….? વિકાસની આંધળી દોટમાં વિશ્વના જે તે દેશોએ કરોડો વૃક્ષોનુ નિકંદન કાઢી નાખ્યુ છે… તો જે દેશના ઉદ્યોગો વાયુ- જળ પ્રદૂષણ પણ બેહદ પ્રમાણમા છોડી રહ્યા છે જેથી ક્લાઈમેટ ચેન્જ થવા સાથે ગ્લોબલ વોર્મિગ પોતાનો આકરો પ્રભાવ બતાવવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિ રોકવા નો જાત એક્શનમાં આવશે કે કેમ….તે મોટો સવાલ છે…..! વંદે માતરમ્