હરસિમરતે અકાલી દળના વલણની તુલના ગુરુ નાનક દેવ સાથે કરી કરતા મુખ્યમંત્રીએ ટીકા કરી

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અકાલી દળના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરના બોલ્ડ નિવેદન પર પ્રહારો કર્યા છે. ભગવંત માને કહ્યું છે કે નવાઈની વાત છે કે હરસિમરત બાદલના બેજવાબદાર અને પાયાવિહોણા નિવેદનો પર શિરોમણી સમિતિના વડા કેમ મૌન છે? ભગવંત માને કહ્યું કે, હરસિમરત કૌર બાદલના નિવેદન પર શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિના પ્રમુખ હરજિંદર સિંહ ધામીનું મૌન આશ્ર્ચર્યજનક છે.

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું છે કે હર સિમરતના નિવેદનથી દરેક શીખના દિલને ઠેસ પહોંચી છે. હરજિન્દર સિંહ ધામીને નિશાને લેતા તેમણે કહ્યું કે તેઓ અકાલી દળ, ખાસ કરીને બાદલ પરિવારના વફાદાર સ્વયંસેવક સિવાય બીજું કંઈ નથી. ભગવંત માને કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે શિરોમણિ સમિતિના વડાએ આના પર આંખો બંધ કરી છે, આ સમગ્ર શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે હરસિમરત કૌર બાદલનું વિવાદાસ્પદ નિવેદન માઘી પર્વ પર આવ્યું છે. તેમણે કહ્યું કે આ નિવેદન શીખોની ગરિમાની વિરુદ્ધ છે. આ સાથે ભગવંત સિંહ માને શિરોમણિ સમિતિના વડાને ચેતવણી આપી હતી કે તેમના આકાઓને ખુશ કરવાની તેમની નીતિ માટે શીખ સંગત તેમને માફ નહીં કરે.

મુખ્યમંત્રીએ સમિતિના વડા ધામીને મીડિયા સમક્ષ આવીને સમગ્ર મામલે નિવેદન આપવાનો પડકાર ફેંક્યો છે. ભગવંત સિંહ માનએ કહ્યું કે શિરોમણી સમિતિ અગાઉ પણ મુખ્યમંત્રી પર શીખોના ધામક મામલામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવતી રહી છે, પરંતુ લોકો સારી રીતે જાણે છે કે શિરોમણી સમિતિ અને તેના વડાઓ અકાલી દળના હાથની કઠપૂતળી બનીને કામ કરી રહ્યા છે.

ભટિંડામાં એક રેલી દરમિયાન અકાલી દળના વરિષ્ઠ નેતા હરસિમરત કૌરે અકાલી દળના વલણની તુલના ગુરુ નાનક દેવ સાથે કરી હતી. હરસિમરત કૌરના આ નિવેદનથી રાજ્યમાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી ભગવંત માને હરસિમરતની સાથે શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના વડા પર પણ નિશાન સાયું છે.