અમદાવાદમાં પુત્રીએ જ મિત્રો સાથે મળી પિતાનું કાસળ કાઢ્યું!

અમદાવાદ, પોલીસ કસ્ટડીમાં ઊભેલા આ પાંચે આરોપીઓમાં મહિલા આરોપી માતા-દીકરી અને તેમના મિત્રોની ગ્રામ્ય એલસીબીએ હત્યાના આરોપસર ધરપકડ કરી છે. ઘટના અંગે હકીક્ત એવી છે કે ગત ૧૩ જાન્યુઆરીના રોજ ધોળકા- બાવળા રોડ પાસે આવેલા ફાટક નજીક ખુલ્લી જગ્યાએથી હત્યા કરેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

પ્રાથમિક તપાસ કરતાં અજાણ્યા શખ્સની ઓળખ હર્ષદ રાજપૂત તરીકે થઇ હતી. બાદમાં પરિવારજનોની તપાસ કરતા હર્ષદ રાજપૂત છેલ્લા થોડાક દિવસોથી અસલાલી વિસ્તારમાંથી ગુમ થયો હતો અને તેનો મૃતદેહ ધોળકા બાવડા રોડ ઉપરથી મળી આવ્યાનું સામે આવ્યું છે. પોલીસને પરિવારજનોની પૂછપરછ કરતા પૂર્વ પત્ની અને દીકરી ઉપર શંકા ગઈ હતી અને આકરી પૂછપરછ બાદ હત્યાનો આખો મામલો ઉકેલાયો હતો.

પોલીસે પૂર્વ પત્ની અનિતા અને દીકરી કાજલની પૂછપરછ કરતા સામે આવ્યું કે, મૃતક હર્ષદ રાજપૂત અનેક વખત દીકરી સાથે બિભત્સ માંગણીઓ કરતો અને પત્ની પાસે દારૂ પીવાના પૈસા માંગી તકરાર કરતો હતો. જેથી કાજલને લાગી આવતા તેના મિત્રો સાથે હર્ષદ રાજપૂતનું કાસળ કાઢી નાખવા પ્લાનિંગ કર્યો હતો અને પ્લાનિંગ અનુસાર જ એક દિવસ પૂર્વ પત્ની અનિતાએ હર્ષદ રાજપૂતને ઘરે બોલાવી ગળે ટૂંપો આપી હત્યા નિપજાવી હતી. આ હત્યાને અંજામ આપવા કાજલ અને તેના મિત્રો સાજીદ, આફતાબ અને ઈસ્માલે ભેગા મળી મૃતદેહને નિકાલ કરવા ધોળકા ટાઉન નજીક રેલવે ફાટક પાસે નાખી આવ્યા હતા.

જોકે, આ ગુનાહિત ષડયંત્ર રચવા માટે પૂર્વ પત્ની અનિતા અને કાજલ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. જ્યારે કાજલનો મિત્ર સાજીદ ઉર્ફે બાલા શેખ અને તેના બંને મિત્રો આફતાબ પઠાણ અને ઈસ્માઈલ ઉર્ફે અમ્મા શેખને બોલાવી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, આરોપી કાજલ અને સાજીદ બંને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ દરમિયાન કાજલ સાજીદને આ બાબતે વાતચીત કરતા હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આરોપી કાજલની પોલીસ કબૂલાત મુજબ છેલ્લા છ માસથી મૃતક હર્ષદ રાજપૂત ઘરે આવતો ત્યારે નજર બગાડતો અને અનિતા પાસે પૈસાની માંગણી કરતો હતો. જેથી એક દિવસ ઘરે બોલાવી મોતને ઘાટ ઉતારવા પ્લાનિંગ કર્યુ હતું. હાલ તો અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પાંચેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.