SITની રચના : હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી.

હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. 7 પોલીસ અધિકારીઓનો આ ટીમમાં સમાવેશ થાય છે. હરણી તળાવ દુર્ઘટના બાબતે દાખલ થયેલ ગુનાની તટસ્થ અને સચોટ તપાસ કરવા અધિક પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને સીટની રચના કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ ACP ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે.

7 પોલીસ અધિકારીઓનો સમાવેશ

અધિક પોલીસ કમિશનર મનોજ નિનામાના અધ્યક્ષ સ્થાને આ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં 7 પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પન્ના મોમાયા, ના.પો.કમિશનર, ઝોન-4, વડોદરા શહેર (સુપરવિઝન અધિકારી), યુવરાજસિંહ જાડેજા, ના.પો.કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર (સુપરવિઝન અધિકારી), એચ.એ.રાઠોડ, મદદનીશ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર (તપાસ અધિકારી), સી.બી.ટંડેલ, PI, હરણી પોલીસ સ્ટેશન, વડોદરા શહેર (સભ્ય), એમ.એફ.ચૌધરી, PI, ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર (સભ્ય), પી.એમ.ધાકડા, PSI, ડી.સી.બી. પો.સ્ટે., વડોદરા શહેર (સભ્ય)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સાથે વડોદરા હરણી લેકઝોનની તમામ એન્ટ્રી-એક્ઝિટ કોર્પોરેશને સીલ કરી છે. ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરવામાં આવી છે. અને ગુનો દાખલ થયો હોવાથી પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. અને જો કોઇ લેક ઝોનમાં પ્રવેશ કરશે તો અંગે કાર્યવાહી કરાશે.

અગાઉ હરણી તળાવ દુર્ઘટના મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખસની અટકાયત કરી છે. ત્યારે હવે આ મામલે મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂદ્ધમાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો સામે 304,308, 337,338, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ FIRમાં મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહનું નામ નથી.

આ અંગે વડોદરા કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે હરણી લેકઝોન ખાતે 2017થી કામગીરીનો વર્કઓર્ડર મેસર્સ કોટીયા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યો છે. જેમાં જુદી-જુદી રાઇડ્સ, ખાણી-પીણી, બ્લેંકેટ હોલ અને બોટીંગ જેવી આનંદ પ્રમોદની સુવિધા આપવામાં આવેલ છે. જેની સંપૂર્ણ જવાબદારી મેસર્સ કોટીયા પ્રોજેક્ટની છે.

વધુમાં તેમણે જણાવ્યું કે ગઇકાલે આશરે સાંજના સાડા ચારેક વાગ્યે હરણી લેકઝોન ખાતે ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવ્યા હતા. જેમાંથી અંદાજે 25 જેટલા વિદ્યાર્થીઓ અને 4 જેટલા શિક્ષકો તળાવમાં નૌકાવિહાર કરતા હતા. જેમાં અમારા જાણવા મુજબ બોટમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડી બોટિંગ કરાવતા હતા. તથા તેમાંથી કેટલાક બાળકોને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બેસાડ્યા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે બાળકો અને શિક્ષકો બોટિંગ કરતા હતા તે દરમિયાન કોઇક કારણસર બોટ હાલક ડોલક થતા આગળના ભાગેથી પાણી બોટમાં ભરાવવા લાગ્યું હતુ. બાદમાં પાણીના કારણે વધુ હાલક ડોલક થતા સંતુલન ગુમાવી બોટ તળાવમાં પલટી ખાઇ ગઇ હતી. જેથી બોટમાં બેઠેલા તમામ લોકોની તળાવમાં ડૂબવાની ઘટના સામે આવી હતી.