જૂનાગઢના જાલણસરના ગ્રામજનોએ વિવિધ સમસ્યા મુદ્દે ગામમાં બંધ પાળીને કલેક્ટરને આવેદન આપ્યું

જૂનાગઢ, જૂનાગઢના જાલણસરના ગ્રામજનો વિરોધ પર ઉતર્યા છે. જાલણસર ગામના લોકોએ બંધ પાળીને વિવિધ સમસ્યા અંગે વિરોધ નોંધાવ્યો છે. ૭૦૦થી વધુ ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉકેલની માગ કરી છે. ગ્રામજનોએ ગામમાં અસામાજીક તત્વોનો ત્રાસ વયો હોવાની ફરિયાદ કરી છે.

જાલણસર ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગામમાં અસમાજીક તત્વોનો ત્રાસ વધ્યો છે. તેઓ દારૂ અને માંસનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે અને અવારનવાર ગામની મહિલાઓને પણ હેરાન કરતા હોય છે. તો સરપંચ સામે લેન્ડગ્રેબિંગનો ખોટા કેસને પાછો ખેંચવાની પણ ગ્રામજનોએ રજૂઆત કરી છે.

ધોરાજીના અસામાજીક તત્વો દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરીને જમીન પચાવી પાડવાનો ષડયંત્ર થતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ ગામની સર્વે નંબર ૩૨૧ની સરકારી પડતર જમીન માધવ ગૌશાળા ટ્રસ્ટને આપવામાં આવે તેવી ૪ વર્ષથી માગ કરાઇ રહી છે, છતાં વહીવટી તંત્ર જવાબ ન આપતું હોવાની રજૂઆત કરી છે.

મહત્વનું છે, ગ્રામજનોએ ગૌશાળાની જમીન, આવારા તત્વો અને સરપંચ પર થયેલા કેસ અંગે ઉકેલની માગણી કરી છે અને વહીવટી તંત્રને અનેક રજૂઆત બાદ કાર્યવાહી ન થતા જૂનાગઢ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.