આજે અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો ચોથો દિવસ છે. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. ગુરુવારે રામલલ્લાની મૂર્તિ ને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી. કારીગરોએ મૂર્તિને આસન પર બિરાજમાન કરી હતી. આ પ્રક્રિયામાં 4 કલાકનો સમય લાગ્યો હતો. હવે મૂર્તિને ગંધ વાસ માટે સુગંધિત જળમાં રાખવામાં આવશે. પછી અનાજ, ફળ અને ઘીમાં પણ રાખવામાં આવશે.
આજે શ્રીરામલલ્લા વૈદિક મંત્રો સાથે ઔષધાધિવાસ, કેસરાધિવાસ, ધૃતાધિવાસ કરશે. પછી આરણી મંથનથી કુંડમાં અગ્નિ પ્રકટ કરવામાં આવશે. આચાર્ય અરૂણ દીક્ષિતે કહ્યું કે અગ્નિ દેવને પ્રકટ કરવા માટે આરણી મંથન થશે. શ્રીરામલલ્લા 20 જાન્યુઆરીએ વાસ્તુ શાંતિ પછી સિંહાસન પર બિરાજશે.
આ દરમિયાન, જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે ગર્ભગૃહમાં નવી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં કોઈ વાંધો નથી. લોકોના દર્શન માટે આ કરવામાં આવ્યું છે. અસ્થાયી રામ મંદિરમાં આજે સાંજે 7 વાગ્યાથી દર્શન બંધ થઈ જશે.