ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષ ૨૦૨૩ દરમિયાન હત્યાની ૩૧ ઘટનાઓ

ભાવનગર, ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષ ૨૦૨૩ દરમિયાન હત્યાની ૩૧ ઘટનાઓ પોલીસ દફતરે નોંધાઈ હતી જે પૈકી ૩૦ બનાવમાં પોલીસે ગુનાના ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હત્યાની કોશિશના ૨૪ બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. જે તમામ કેસમાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત વર્ષની તુલના હત્યાના ગુનામાં ૨૫ ટકા જેટલો ઘટાડો થયો હતો, જ્યારે હત્યાની કોશિશના ગુનામાં ૧૪૦ ટકા જેટલો વધારો થયો હતો.

ભાવનગર શહેર અને જિલ્લામાં હત્યા અને હત્યાની કોશિશના ગંભીર બનાવો સમયાંતરે બન્યા છે. વર્ષ ૨૦૨૩ દરમિયાન ભાવનગર જિલ્લામાં સરેરાશ દર ૧૦ થી ૧૨ દિવસે હત્યાનો એક બનાવ તેમજ દર ૧૫ દિવસે હત્યાની કોશિશનો એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. જોકે પોલીસે હત્યા અને હત્યાની કોશિશના ગુનામાં ત્વરિત કામગીરી કરીને આરોપીઓની ધરપકડ પણ કરી છે. પોલીસ તંત્ર પાસેથી ઉપલબ્ધ વર્ષ ૨૦૨૩ના આંકડા મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષ ૨૦૨૩ દરમિયાન હત્યાના ૩૧ બનાવો બન્યા છે, જે પૈકી ૩૦ જેટલા બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક કેસ હજી અણઉકેલ્યો છે. હત્યાની કોશિશ કરવાના વર્ષ ૨૦૨૩ દરમિયાન ૨૪ જેટલા બનાવો પોલીસ દફતારે નોંધાયા હતા. જે તમામ ૨૪ કેસમાં પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨માં ભાવનગર જિલ્લામાં હત્યાના ૪૧ અને હત્યાની કોશિશના ૧૦ બનાવો પોલીસ દતરે નોંધાયા હતા. વર્ષ ૨૦૨૨ની તુલનાએ વર્ષ ૨૦૨૩માં હત્યાના ગુનામાં ૨૫ ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે હત્યાની કોશિશના ગુનામાં ૧૪૦ ટકાનો વધારો થયો હતો.

ભાવનગર શહેર અને જિલ્લામાં સમયાંતરે હત્યા અને હત્યાની કોશિશના કુલ ૫૫ જેટલા બનાવો વર્ષ ૨૦૨૩ દરમિયાન નોંધાયા હતા. આ બનાવોમાં મોટાભાગના બનાવો અંગત વેર-ઝેર કે સામાન્ય અથવા નજીવી બાબતે થયા હોવાનું પોલીસ એફઆઈઆરમાં ખુલ્યું છે. ભાવનગર જિલ્લા પોલીસે આ તમામ ઘટનાઓમાં ત્વરિત કામગીરી કરી આરોપીઓની ધરપકડ કરી છે.

તળાજાના પીંગળી ગામની ઓસરીમાં સૂતેલ વૃદ્ધ દંપતીની હત્યાના બનાવને છ માસ વિતી ગયા છે. તેમ છતાં પોલીસ માટે આ બેવડી હત્યાનો ભેદ હજુ કોયડો બની રહ્યો હોય તેમ ડબલ મર્ડરનો બનાવ ઉકેલી શકાયો નથી. પોલીસ તંત્ર દ્વારા બનાવાયેલી એસઆઇટી પણ બેવડી હત્યાનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી હતી. ત્યારે પોલીસ દ્વારા રોજે રોજ શકમંદોને ઉઠાવી પૂછપરછ કરવામાં આવી રહી છે.