કેનેડામાં રહેતા ગુજરાતી યુવાનને શેરબજારમાં રોકાણ કરવાનું કહીને લાખોની છેતરપિંડી કરી

રાજકોટ: 60 વર્ષીય સુરેશ પોશિયા નામના વેપારી દ્વારા અમદાવાદ ખાતે રહેતા પતિ પત્ની અક્ષય પટેલ અને ક્રિષ્ના પટેલ વિરુદ્ધ જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 406, 420, 120 (બી) અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીઓ દ્વારા ફરિયાદીના દીકરા ઉદયને શેરબજારમાં રોકાણ કરી નફો કમાવવાની લાલચ આપવામાં આવી હતી. તો સાથે જ ઇન્કમટેક્સ રેઈડનું ખોટું બહાનું કાઢવામાં આવ્યું હતું. તેમજ ક્રિષ્ના પટેલ દ્વારા ઉદય પોશિયાને ફોન કરીને પોતાના પિતાને તાત્કાલિક પૈસાની જરૂર છે તેમ કહી ફરિયાદી તેમજ તેમના દીકરા પાસેથી ₹36 લાખ રૂપિયા પડાવી લઈ છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તેઓ હાલ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. તેમનો દીકરો ઉદય છેલ્લા ચાર વર્ષથી કેનેડામાં રહે છે અને ત્યાં જ નોકરી કરે છે. દીકરો ઉદય અમદાવાદ ખાતે રહીને અભ્યાસ કરતો હતો ત્યારે તેની સાથે અક્ષય પટેલ નામનો છોકરો પણ રહેતો હતો. જેથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ઉદય કેનેડા ચાલ્યો ગયો ત્યારબાદ અક્ષયે ઉદયને ફોન કરીને જણાવ્યું હતું કે હું શેર બજારનો ધંધો કરું છું અને શેરબજારનો જાણકાર છું જેમાં મને સારું એવું વળતર પણ મળે છે. જો તારે શેરબજારમાં રોકાણ કરવું હોય તો જે નફો થાય તેમાં 60% ભાગ તારું રહેશે અને બાકીનો 40% ભાગ મારું રહેશે તે પ્રકારની વાતચીત કરી હતી. સમગ્ર મામલે ઉદય તેના પિતા સુરેશ પોશિયાને પણ વાતચીત કરી હતી. ત્યારબાદ સુરેશ પોશિયા દ્વારા અક્ષય સાથે વાતચીત કરીને પોતાના બેંક એકાઉન્ટમાંથી તેમજ પુત્રના બેન્ક એકાઉન્ટ માંથી કુલ 24,97,500 શેર બજારમાં રોકાણ કરવા માટે આપ્યા હતા.

થોડા સમય બાદ પિતા પુત્ર દ્વારા શેર બજારમાં પોતાનો નફો માંગતા અક્ષયે ઇન્કમટેક્સની ભીંસમાં હોવાનું બહાનું આગળ ધર્યું હતું. તેમજ થોડા સમયમાં નફા સહિત તમારી રકમ તમને પરત કરી દઈશ તે પ્રકારનો વાયદો પણ કર્યો હતો. શેર બજારમાં ક્યાં રોકાણ કરેલું છે અને કેટલો નફો કેટલો નુકસાન થયું છે તે બાબતની વિગતો માંગતા અક્ષય પટેલે કોટક મહિન્દ્રા બેન્કની બેલેન્સશીટનો ફોટો મોકલી આપ્યો હતો. તેમજ તે એકાઉન્ટમાં ચાર કરોડ રૂપિયાનું બેલેન્સ જોવા મળ્યું હતું. અક્ષય પટેલે જણાવ્યું હતું કે, ઇન્કમટેક્સની રેઇડના કારણે મારું એકાઉન્ટ ફ્રીજ થઈ ગયું છે. જે એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે મારે રૂપિયાની જરૂર છે.

અક્ષયની પત્ની ક્રિષ્ના એ પણ ઉદયને ફોન કરીને તેમજ મેસેજ કરીને મારા પિતાજીને પૈસાની ખૂબ જ જરૂરિયાત છે તમે દસ લાખ રૂપિયા મોકલી આપો. હું તમને મારા પગારમાંથી પૈસા પરત આપી દઈશ તે પ્રકારનું કહ્યું હતું. જેથી ઉદય દ્વારા સાડા ત્રણ લાખ રૂપિયા બેન્ક એકાઉન્ટના માધ્યમથી તેમજ અન્ય 6.5 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા. આમ કટકે કટકે પિતા પુત્રો પાસેથી પ્રથમ 20 લાખ રૂપિયા અને ત્યારબાદ 16 લાખ રૂપિયા મળીને કુલ 36 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.