અલ્હાબાદ, જેઓ લગ્ન વિના એકલા રહે છે એ દીકરીઓને પણ તેમના માતા-પિતા પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના તાજેતરના ચૂકાદામાં આ ખુલાસો કર્યો છે. કોર્ટે કહ્યું કે દીકરીના ધર્મ કે ઉંમરને ધ્યાનમાં લીધા વિના, તેને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ભરણપોષણનો અધિકાર છે. કોર્ટે નઈમુલ્લા શેખ અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.
તેમણે તેમની ત્રણ દીકરીઓને ભરણપોષણ આપવાના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્રણેય દીકરીઓએ ભરણપોષણ ભથ્થું મેળવવા માટે ડીવી એક્ટ હેઠળ દાવો દાખલ કર્યો હતો. પુત્રીઓએ તેમના પિતા અને સાવકી માતા પર દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. ટ્રાયલ કોર્ટે વચગાળાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેને માતા-પિતાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. માતા-પિતાની દલીલ એવી હતી કે તેમની દીકરીઓ પુખ્ત વયની અને આર્થિક રીતે સ્વતંત્ર છે.
માતા પિતાની અરજીને ફગાવી દેતાં જસ્ટિસ જ્યોત્સના શર્માએ કહ્યું હતું કે, ’એમાં કોઈ શંકા નથી કે અપરિણીત પુત્રી, હિંદુ હોય કે મુસ્લિમ, ભરણપોષણ ભથ્થું મેળવવાની હકદાર છે પછી તેની ઉંમર ગમે તે હોય. ફરી એકવાર એ સ્પષ્ટ થાય છે કે જ્યારે ભરણપોષણનો અધિકાર પ્રશ્ર્નમાં હોય ત્યારે અદાલતોએ અન્ય કાયદાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. જો કે, જ્યાં મામલો માત્ર ભરણપોષણ પૂરતો મર્યાદિત નથી, ત્યાં ઘરેલું હિંસા અધિનિયમની કલમ ૨૦ માં પીડિતોને અધિકારો આપવામાં આવ્યા છે.
આ ચૂકાદાને પગલે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. કોર્ટે અરજદારોની એ દલીલને ફગાવી દીધી હતી કે દીકરીઓ પુખ્ત છે અને તેથી ભરણપોષણનો દાવો કરી શકે નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડીવી એક્ટનો હેતુ મહિલાઓને વધુ અસરકારક સુરક્ષા પ્રદાન કરવાનો છે. ભરણપોષણનો અધિકાર અન્ય ઘણા કાયદાઓ હેઠળ પણ મળી શકે છે, પરંતુ ડીવી એક્ટ ૨૦૦૫ માં દાવાઓનો ઝડપથી ઉકેલ આવે છે.