દાહોદ,દાહોદ જીલ્લાના સંજેલીના હિરોલા ગામે કોતરમાં આવેલ કુવામાંથી ગામના 12 વર્ષીય છોકરાની લાશ મળી આવતાં ભારે ચકચાર મચી
હિરોલા ગામના રંગલી ફળિયામાં રહેતા 45 વર્ષીય ધુળીયાભાઈ વીછીયાભાઈ સંગાડા સવારે પોતાના ઘરે પાન મસાલાની દુકાને બેઠા હતા. તે વખતે નિશાળમાંથી રજા મળતા તેમનો 12 વર્ષીય છોકરો અશ્ર્વીનભાઈ નિશાળેથી ઘરે આવ્યો હતો અને ઘરે દફતર મૂકી ઘર બહાર રમવા ગયો હતો. જે મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતાં ધુળીયાભાઈ સંગાડા તથા ઘરના સૌ ચિંતીત બન્યા હતા. તેની શોધખોળ આદરી હતી અને ઘરની આજુબાજુમાં તપાસ કરતા ઘરથી થોડે દૂર કોતરમાં આવેલ કુવા પર તપાસ કરતાં કુવામાં છોકરા અશ્ર્વીનના ચંપલ જોવા મળ્યા હતા. જેથી તે કુવામાં પડી ગયો હશે. તેવી શંકા જતાં કુવામાં લોખંડના સળીયાવાળી બિલાડી નાંખી જોતા બીલાડીનો સળીયો અશ્ર્વિને પહેરેલ શર્ટના પાછળના ભાગે ભીડાઈ જતાં બીલાડી ખેચીંને કુવાની બહાર કાઢતા અશ્ર્વીનની લાશ પણ બીલાડી સાથે બહાર આવી ગઈ હતી.
આ સંબંધે મરણ જનાર અશ્ર્વીનભાઈના પિતા ધુળીયાભાઈ વીછીયાભાઈ સંગાડાએ સંજેલી પોલીસને જાણ કરતાં સંજેલી પોલીસે આ મામલે સી.આર.પી.સી. 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની તપાસ હાથ ધરી છે.