રાનિલ વિક્રમસિંઘે બનશે શ્રીલંકાના રાષ્ટ્રપતિ, સંસદમાં 134 મત સાથે જીત્યા ચૂંટણી

છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય અને આર્થિક સંકટ વચ્ચે રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. શ્રીલંકાના સાંસદોએ તેમને પોતાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી લીધા છે. વિક્રમસિંઘે અત્યાર સુધી શ્રીલંકાના કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળી રહ્યા હતા. 

દેશના નવા રાષ્ટ્રપતિ ચૂંટવા માટે શ્રીલંકન સંસદમાં આજે તમામ સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે પણ આજે સંસદમાં હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા શ્રીલંકામાં આજે સંસદની બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ હતી. 

તમામ પાર્ટીઓએ પોતાના સાંસદોને એવું ફરમાન આપ્યું હતું કે, તેઓ પોતાના મતની તસવીરો ક્લિક કરે. જોકે ત્યાર બાદ સંસદમાં ફોન ન લાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. સ્પીકરે ચૂંટણી દરમિયાન કોઈ પણ સાંસદ સદનમાં ફોન ન લાવે તેમ જણાવ્યું હતું. પરંતુ ગઈકાલે પાર્ટીના કેટલાક નેતાઓએ કથિત રીતે પોતાના સાંસદોને ગુપ્ત મતદાનમાં ક્રોસ વોટિંગની તપાસ માટે પોતાના મતપત્રોની તસવીરો લેવા માટે કહ્યું હતું. 

44 વર્ષ બાદ પ્રથમ વખત સીધી ચૂંટણી

શ્રીલંકાની સંસદમાં 44 વર્ષમાં પ્રથમ વખત આજે રાષ્ટ્રપતિ પદ માટે સીધી ચૂંટણી થઈ છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેની રેસમાં કાર્યકારી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ઉપરાંત દુલ્લાસ અલહપ્પરૂમા તથા અનુરા કુમારા દિસાનાયકે મેદાનમાં હતા. 225 સદસ્યો ધરાવતા સદનમાં મેજિકલ ફિગર સુધી પહોંચવા માટે 113ના સમર્થનની જરૂર હતી. રાનિલ વિક્રમસિંઘેને તે માટે વધુ 16 મતની જરૂર હતી. તેમને તમિલ પાર્ટીના 12 મતમાંથી 9 મત પર વિશ્વાસ હતો પરંતુ તેમને 134 મત મળ્યા છે.