દાહોદ : દાહોદ શહેરે સ્વચ્છતાના માપદંડમાં ભુંડી પછડાટ ખાધા છતાં પણ શહેરમાં સફાઈના મામલે નગરપાલિકાની ગંભીર બેદરકારી છતી કરતા કચરાના ઢગ તથા ગંદકીથી ખદબદતી અત્યંત દુર્ગંધ મારતી ગટરો હજીએ કેટલી જગ્યાએ જોવા મળી રહી છે. અને શહેરના વાતાવરણને દૂષિત બનાવી રોગ ચાળાના જોખમને વધારી રહી છે. હાલ રામ મંદિરમાં રામલલ્લાની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નમ્ર અપીલના પગલે દાહોદ ભાજપ દ્વારા શહેર તથા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તમામ હિન્દુ મંદિરોમાં અને મંદિરની આસપાસની જગ્યામાં સફાઈ હાથ ધરી સ્વચ્છ બનાવવાની કામગીરી ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં ઘણી ખરી જગ્યાએ ખડકાયેલા કચરાના ઢગ હટાવવાની તેમજ કેટલીક જગ્યાએ ગંદકીથી ખદબદતી દુર્ગંધ મારતી નરકાગાર સમી ગટરોની સફાઈ કરવાની પણ હાલ તાતી જરૂર વર્તાઈ રહી છે. કારણ કે ગામ આખું ગોબરૂં હોય અને માત્ર મંદિરો જ સ્વચ્છ હોય તો કેવું લાગે? મંદિરોની સાથે સાથે શહેરમાં કચરાના ઢગવાળા વિસ્તારો તથા ગંદકીથી ખદબદતી ગટરોની સફાઈ હાથ ધરી ચોખ્ખા ચણક કરવામાં આવશે તો જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની અપીલ સાર્થક થઈ ગણાશે.
દાહોદ શહેરના સ્ટેશન રોડ શીતળા માતાના મંદિરની પાછળના ભાગે અને કેશવ માધવ રંગમંચની પાછળના ભાગે આવેલ રોગચાળાને નોતરતી ગંદકીથી ખદબદતી ગટરના દુર્ગંધ મારતા પાણી સીધા છાબ તળાવમાં જતા હોય તેમ લાગી રહ્યું છે. જેથી તેની તપાસ જરૂરી છે. ગંદગીથી ખદ બદતી આ ગટરની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવો સમયનો તકાજો છે.
આવી જ રીતે શહેરની ઝાયડસ હોસ્પિટલ અને હેમંત માર્કેટ વચ્ચેની ખુલ્લી જગ્યામાં કચરો ઠાલવવાનું બંધ કરી તે જગ્યાને સાફ સુથરી બનાવી તે જગ્યામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો પણ અત્યંત જરૂરી બન્યો છે. કારણ કે માણેકચોકથી ઝાયડસ હોસ્પિટલ તરફ જવાના રસ્તા પર હોસ્પિટલમાં જવા- આવવા વાળા લોકોની આખો દિવસ ભારે અવર-જવર રહે છે. તેમજ હેમંત માર્કેટમાં બનાવેલ તિબેટીયન માર્કેટમાં ગરમ વસ્ત્રો ખરીદવા આવવા વાળાની ભારે ભીડ પણ આખો દિવસ રહે છે. આવતા વર્ષે દાહોદ શહેરને સ્વચ્છતાના માપદંડમાં અવ્વલ નંબરે લાવવું હશે તો શહેરના માર્ગો સ્વચ્છ અને સાફ સુથરા રાખવા જરૂરી છે. તેમજ ઠેર ઠેર ગંદા દુર્ગંધ મારતા પાણીથી ઉભરાતી ગટરો તેમજ કેટલીક જગ્યાએ નરકાગાર સમી ગંદકીથી ખદબદતી ગટરોની સફાઈ પણ એટલી જ જરૂરી છે. જેથી અગાઉ થયેલી ભૂલોને સુધારી અત્યારથી જ દાહોદ નગર પાલિકા શહેરની સફાઈ પર વિશેષ ધ્યાન રાખી ઉઠો ત્યાંથી સવાર સમજી સફાઈના મામલે ગત દિવસોમાં કરેલી ભૂલ સુધારવામાં લાગી જાય તેમાંજ દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે સાથે દાહોદ વાસીઓનું પણ હિત સમાયેલું છે. તે નરી વાસ્તવિકતા સમજી લેવાની જરૂર છે.