પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને આસામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવશે

ગુવાહાટી, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને મંગળવારે આસામના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ’આસામ વૈભવ’ માટે નામાંક્તિ કરવામાં આવ્યા હતા. તેઓ ચીફ જસ્ટિસના પદ પર પહોંચનારા ઉત્તર-પૂર્વના પ્રથમ વ્યક્તિ છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અહીં એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે તે અગ્રણી વ્યક્તિઓના નામ પણ જાહેર કર્યા જેમને રાજ્ય સરકારના અન્ય બે મોટા પુરસ્કારો આપવામાં આવશે.

સરમાએ કહ્યું, “આ વર્ષે અમે પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને ન્યાયિક ક્ષેત્રમાં તેમની સિદ્ધિઓ માટે ‘આસામ વૈભવ’ એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. તે આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે.ગોગોઈ ૨૦૧૮-૧૯માં ચીફ જસ્ટિસ હતા. દાયકાઓ જૂના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં ચુકાદો આપનારી બેંચનું નેતૃત્વ તેમણે કર્યું હતું.

સરમાએ ’આસામ સૌરવ’ એવોર્ડ માટે ચાર અગ્રણી વ્યક્તિઓના નામની જાહેરાત કરી હતી, જેમાં સ્વિમર એલ્વિસ અલી હજારિકા અને દોડવીર હિમા દાસનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વારસો વ્યવસ્થાપન નિષ્ણાત કિશન ચંદ નૌરિયાલ અને તિવા નૃત્યાંગના નંદીરામ દેઉરી આ શ્રેણી હેઠળ પુરસ્કારો મેળવનારા અન્ય વિજેતાઓમાં સામેલ છે.