ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફાટી નીકળ્યું;ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની સંભાવના

નવીદિલ્હી, ઉત્તર ભારતમાં, પર્વતોથી મેદાનો સુધી જામી રહેલી ઠંડીને કારણે લોકો ભારે મુશ્કેલીમાં છે. ગાઢ ધુમ્મસ સાથે તીવ્ર ઠંડીના મોજાએ મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ઓછી વિઝિબિલિટીના કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. દિલ્હીમાં, ૩૮૦ થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી, ૩૫ રદ કરવી પડી જ્યારે ૧૨૫ ટ્રેનો મોડી પડી. હરિયાણાના મહેન્દ્રગઢ અને પંજાબના શહીદ ભગતસિંહ નગરમાં પારો શૂન્યથી નીચે ગયો હતો. અન્ય ઘણા શહેરોમાં પણ આવી જ સ્થિતિ હતી. હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની સંભાવના છે. મેદાની વિસ્તારોમાં બે દિવસ સુધી તીવ્ર ઠંડી પડી શકે છે. તે જ સમયે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં પાંચ દિવસ સુધી શીત લહેરથી રાહત નહીં મળે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં તીવ્ર શીત લહેર પણ આવી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, સવારે ઉત્તરથી ઉત્તરપૂર્વ ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. સવારે ૫:૩૦ વાગ્યે વારાણસીમાં વિઝિબિલિટી શૂન્ય હતી. દિલ્હીના સફદરજંગમાં વિઝિબિલિટી ૨૫ મીટર અને રિજ વિસ્તાર અને પાલમમાં ૫૦ મીટર હતી. લખનૌમાં ૨૫ મીટર અને મધ્યપ્રદેશ ના ગ્વાલિયરમાં ૫૦ મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી. જમ્મુ અને કાશ્મીરથી લઈને પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સુધી હિમાલયના પ્રદેશોમાં મોટાભાગના સ્થળોએ વિઝિબિલિટી ૨૫ થી ૫૦ મીટર હતી.

ધુમ્મસના કારણે ફ્લાઈટ્સ પ્રભાવિત થવાથી નારાજ મુસાફરોની સમસ્યાઓ ઘટાડવા અને તાજેતરની અપ્રિય ઘટનાઓનું પુનરાવર્તન ટાળવા માટે, ઉડ્ડયન મંત્રાલયે દેશના છ મેટ્રો એરપોર્ટ પર વોર રૂમ સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, એરપોર્ટ અને એરલાઈન્સ સંયુક્ત રીતે વોર રૂમ બનાવશે. અહીં મુસાફરોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના બીજા રનવેએ ઓછી વિઝિબિલિટીની સ્થિતિમાં એરક્રાફ્ટને લેન્ડિંગની મંજૂરી આપવાનું શરૂ કર્યું છે. ફ્લાઈટમાં વિલંબને કારણે મુસાફરોને પડતી સમસ્યાઓને દૂર કરવા અને તાજેતરની અપ્રિય ઘટનાના પુનરાવર્તનને રોકવા માટે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે તમામ એરલાઇન્સ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની જાહેરાત કરી હતી.

ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થવાને કારણે છેલ્લા ત્રણ દિવસમાં દિલ્હી એરપોર્ટ પર ૧,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ ૧૨ કલાકથી વધુ મોડી પડી છે. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસ પહેલા દિલ્હી-ગોવા ઈન્ડિગો ફ્લાઈટમાં ૧૦ કલાકથી વધુ સમય વિલંબથી ગુસ્સે થયેલા એક મુસાફરે પાયલટને મુક્કો માર્યો હતો.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના અહેવાલ મુજબ, ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન સ્થાનિક એરલાઇન્સ દ્વારા પ્રાપ્ત થયેલી કુલ ૭૧૨ મુસાફરોની ફરિયાદોમાંથી મોટાભાગની ફ્લાઈટ સમસ્યાઓ અને રિફંડ સંબંધિત હતી. ડીજીસીએએ સોમવારે ડિસેમ્બર માટે એર ટ્રાફિક રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે નિર્ધારિત સ્થાનિક એરલાઇન્સને ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન કુલ ૭૧૨ પેસેન્જર સંબંધિત ફરિયાદો મળી હતી. ડિસેમ્બર, ૨૦૨૩માં પ્રતિ ૧૦,૦૦૦ મુસાફરોએ ફરિયાદોની સંખ્યા ૦.૫૨ આસપાસ રહી છે. ફરિયાદોનું મુખ્ય કારણ ફ્લાઈટ સંબંધિત સમસ્યાઓ અને રિફંડ છે.

એરક્રાફ્ટ સેફ્ટી વોચડોગ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટ ઓપરેટર મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ સામે એરપોર્ટ ટાર્મેક (રનવે નજીક એરક્રાફ્ટ પાર્કિંગ વિસ્તાર) પર મુસાફરો દ્વારા ખોરાક ખાવાની ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે.