જમ્મુ-કાશ્મીર પણ ભક્તિના રંગે રંગાયું, વિદ્યાર્થીનીથી લઇને અનેક શ્રદ્ધાળુઓ રામ ધૂનમાં તલ્લીન

શ્રીનગર, અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા જમ્મુના ઘણા વિસ્તારોને શ્રી રામ જન્મભૂમિ તીર્થસ્થળની જેમ સજાવવામાં આવી રહ્યા છે. જેથી જે લોકો ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા ન જઈ શકે તેઓને જમ્મુમાં જ અયોધ્યા જેવું વાતાવરણ મળી શકે. આ વિસ્તારોમાં વિવિધ સ્થળોએ ભગવાન શ્રી રામના પોસ્ટર, બેનરો અને ધ્વજ લગાવવામાં આવી રહ્યા છે. જમ્મુના આ વિસ્તારોમાં સવાર-સાંજ લોકો રામધૂનમાં લીન થયેલા જોવા મળી રહ્યા છે. ઘણા ભક્તો તેમના હાથમાં વિવિધ સંગીતનાં સાધનો સાથે રામધૂન ગાતા બહાર જોવા મળે છે. આ ભક્તો શેરીઓમાં જઈને રામધૂન ગાય છે. હાલ સમગ્ર વાતાવરણ ભક્તિમય દેખાય રહ્યું છે.

લોકોનો દાવો છે કે ૫૦૦ વર્ષ પછી આવી તક આવી છે. જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. અયોધ્યાથી ૧૨૦૦ કિલોમીટર દૂર જમ્મુ પણ અયોયા બની ગયું છે.

જમ્મુ અને કાશ્મીર ઉરી કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની બતૂલ જહરાએ ૨૨ જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશનાં અયોધ્યામાં યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સાથે જમ્મુ અને કાશ્મીરને જોડવા માટે પહાડી ભાષામાં રામ ભજન ગાયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાં જ તે ઝડપથી વાયરલ થઈ ગયો. લોકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે.રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને ભારત સહિત અન્ય દેશોમાં પણ ઉજવણીનો માહોલ છે. વિદેશોમાં પણ રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને ભારતીય મૂળના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગઈ કાલે અમેરિકામાં રહેતા હિન્દુઓએ કાર રેલીઓનું આયોજન કર્યું હતું. અમેરિકામાં ભારતીયોએ ન્યુ જર્સીના એડિસનમાં કાર રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ૩૫૦થી વધુ કારોએ ભાગ લીધો હતો. આ કારનો કાફલો જય શ્રી રામના નારા સાથે એડિસનની શેરીઓમાંથી પસાર થયો હતો.