ગલવાન પછી પણ એલએસી પર સૈનિકો આમને સામને આવ્યા

નવીદિલ્હી, એલએસી પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણની વધુ ઘટનાઓ સામે આવી છે. સૈનિકોને અપાતા વીરતા પુરસ્કારોમાં આ અથડામણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાઓ સપ્ટેમ્બર ૨૦૨૧ અને નવેમ્બર ૨૦૨૨ વચ્ચે બની હતી. હકીક્તમાં, ગયા અઠવાડિયે આર્મીના પશ્ચિમી કમાન્ડ દ્વારા એક ઇન્વેસ્ટિચર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં સૈનિકોને વીરતા પુરસ્કાર આપવામાં આવ્યા હતા, જેમાં ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને કેવી રીતે જડબાતોડ જવાબ આપ્યો તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વેસ્ટર્ન કમાન્ડે ૧૩ જાન્યુઆરીએ યોજાયેલા આ કાર્યક્રમનો વીડિયો તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં વીરતા પુરસ્કાર પર ટિપ્પણી કરવામાં આવી હતી. જોકે, સોમવારે આ વીડિયો ડિએક્ટિવ કરવામાં આવ્યો હતો.

હાલમાં આ મામલે ભારતીય સેના દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જૂન ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલુ છે. આ અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા જ્યારે ચીની સેનાને પણ ભારે નુક્સાન થયું હતું. તેના ઘણા સૈનિકો પણ માર્યા ગયા હતા. આ પછી સરહદ પર સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.

છેલ્લા ચાર વર્ષમાં પૂર્વી લદ્દાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણની ઘણી ઘટનાઓ બની છે. ડિસેમ્બર ૨૦૨૨ માં, પીએલએએ તવાંગમાં યાંગત્સેમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતીય સૈનિકોએ યોગ્ય જવાબ આપ્યો હતો. અથડામણને કારણે બંને પક્ષો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી અને ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક ચીની સૈનિકોનો સામનો કર્યો હતો અને તેમને તેમની ચોકીઓ પર પાછા ફરવાની ફરજ પાડી હતી.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભારતીય સેના પ્રમુખ જનરલ પાંડેએ કહ્યું હતું કે એલએસી પર સ્થિતિ સ્થિર છે પરંતુ સંવેદનશીલ છે. અમારી તૈયારી ઉચ્ચ સ્તરની છે. અમે એલએસી પર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છીએ.