- અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ આયોજિત થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં આનંદ, ઉલ્લાસ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે આ ઐતિહાસિક અવસર નિમિતે ગુજરાત પણ જાણે કે ભગવાન શ્રી રામના રંગમાં રંગાઈ ગયું છે. રાજ્યના અનેક શહેરોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને ઉજવણીઓ શરૂ કરાઈ છે.
રાજકોટની વાત કરીએ તો સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા રાજકોટમાં મીની અયોધ્યા બનાવવામાં આવ્યુ છે. વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં મીની અયોધ્યા તૈયાર કરવામાં આવી છે. જેમા 28 ફુટના ભગવાન રામના અને હનુમાનજીના કટઆઉટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.150 ફુટના સ્ટેજ પર ભગવાન રામની આ પ્રતિકૃતિ આકર્ષણ જમાવી રહી છે. 22 જાન્યુઆરીના અયોધ્યામાં થતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અહીં LED સ્ક્રીન પર લાઈવ બતાવવાની પણ તૈયારી કરવામાં આવી છે. જે જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે.
આ તરફ સુરતના વેપારીએ તો તેમની લક્ઝુરિયસ કાર જ ભગવાન રામ અને ભગવા રંગમાં રંગી અયોધ્યા જવા રવાના થયા છે. સુરતથી અયોધ્યા જવા માટે વેપારીએ કારને અનોખી રીતે શણગારી છે. વેપારી સિદ્ધાર્થ દોશી 1400 કિલોમીટરની અયોધ્યા યાત્રા કરશએ. મહાનગરપાલિકાના મેયર દક્ષેશ મેવાણીએ કારને પ્રસ્થાન કરાવી છે. 22 જાન્યુઆરીએ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપશે.
અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગુજરાતના કુંભાર પરરિવારો માટે ખરા અર્થમાં દિવાળી લઈને આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના હજારો કુંભાર પરિવારોને લાખો દીવડાઓ તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો છે. મંદિરો, મોટી સંસ્થાઓ તેમજ વેપારીઓએ કુંભાર પરિવારોને દીવડાના ઓર્ડર આપ્યા છે. જેના કારણે હાલ કુંભારો દિવસ રાત દીવડાઓ તૈયાર કરી રહ્યા છે. સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં જે પ્રકારે મોટા પાયે દિવડાઓની ખરીદી થાય છે તે પ્રકારે હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે પ્રગટાવવા માટે મોટા મોટા ઓર્ડર કુંભાર પરિવારોને આવી રહ્યા છે.
આ તરફ છોટા ઉદેપુરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહનો માહોલ છવાયો છે. શહેરના ભોલે રામ મંદિરની બહાર ભગવાન રામની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જ્યાં સુધી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નહીં થાય ત્યાં સુધી રામની પ્રતિમા ચોકમાં જ રહેશે. શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન રામની સુંદર રંગોળી પણ કરવામાં આવી છે. મહોત્સવ નિમિતે બુધવારે વિશાળ શોભાયાત્રા નીકળશે. જેમાં સાધુ-સંતો સહિત અનેક શ્રદ્ધાળુઓ જોડાશે.