ચીનના ચીલે ચાલતું માલદીવ તુર્કી પાસેથી ઘાતક ડ્રોન ખરીદશે

બીજીંગ, ભારતીય સેનાને માલદીવથી પાછા જવાનો આદેશ આપ્યા બાદ હવે માલદીવની મોહમ્મદ મુઈજ્જુ સરકાર એક પછી એક ભારત વિરોધી દેશો સાથે પોતાના સંબંધો મજબૂત કરવામાં વ્યસ્ત છે. ચીન સાથે અનેક કરાર કર્યા બાદ મુઈજ્જુ સરકાર હવે તુર્કી સાથે ઘાતક ડ્રોન કરાર પર હસ્તાક્ષર કરી રહી છે. મુઈજ્જુ સરકારે તુર્કીની કંપની બાયકર સાથે ૩૭ મિલિયનનો કરાર કર્યો છે. બાયકર તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનના જમાઈની કંપની છે. માલદીવમાં કાર્યભાર સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ મુઈજ્જુ પહેલા તુર્કીના પ્રવાસે ગયા હતા. આ તુર્કીના ડ્રોને આર્મેનિયાથી યુક્રેન સુધીના યુદ્ધમાં તબાહી મચાવી હતી. ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન પણ આ કિલર ડ્રોનનો ઉપયોગ કરે છે.

માલદીવની સરકારનું કહેવું છે કે, તે તેના વિશાળ દરિયાઈ વિસ્તાર પર નજર રાખવા માટે આ મિલિટરી ડ્રોન ખરીદી રહી છે. અગાઉ ભારતે માલદીવને તેના દરિયા કિનારા પર નજર રાખવા માટે ડોનયર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર આપ્યા હતા. ભારતીય સૈન્ય ટેકનિકલ ટીમ આ વિમાનના સમારકામ માટે ઉપયોગ કરતી હતી. માલદીવના રાષ્ટ્રપતિએ ભારતીય સૈનિકોને ૧૫ માર્ચ સુધીમાં ત્યાંથી જવા માટે કહ્યું છે, એવું મનાઈ રહ્યું છે કે આ ખામીને પૂરી કરવા માટે મુઈજ્જુ સરકારે તુર્કી સાથે હાથ મિલાવ્યા છે અને મિલિટરી ડ્રોન ખરીદી રહી છે.

તાજેતરમાં ચીનના પ્રવાસેથી પરત ફર્યા બાદ માલદીવ સરકારે સંકેત આપ્યો હતો કે, તે તુર્કી પાસેથી ડ્રોન ખરીદવા જઈ રહી છે. આ પહેલા ભારતનું નામ લીધા વિના કહ્યું હતું કે માલદીવ કોઈ પણ દેશની પાછળના વિસ્તારમાં સ્થિત નથી. તેમણે કહ્યું હતું કે, “અમારા ટાપુઓ નાના હોવા છતાં, અમે ૯ લાખ ચોરસ કિલોમીટરના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર સાથે એક વિશાળ દેશ છીએ. આ હિંદ મહાસાગરમાં સૌથી વધુ હિસ્સો ધરાવતા દેશોમાં માલદીવનો સમાવેશ થાય છે. આ સમુદ્ર કોઈ એક દેશ (ભારત)ની મિલક્ત નથી.”

તેમણે વધુ જણાવતાં કહ્યું કે, “અમે સમગ્ર ૯ લાખ કિલોમીટરના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં અમારી દેખરેખ વધારવા માટે અમારી શક્તિ અને ક્ષમતા વધારવાનું શરૂ કર્યું છે. હું આશા રાખું છું કે ટૂંક સમયમાં અમે અમારી ક્ષમતા વિક્સાવીશું. જેથી આ સમગ્ર વિસ્તારનું સંચાલન કરી શકાય.” આટલું જ નહીં મુઈજ્જુ સરકારે તુર્કીથી મિલિટરી ડ્રોનનો રસ્તો સાફ કરીને ઈમ્પોર્ટ ડ્યૂટી પણ નાબૂદ કરી દીધી છે. માલદીવની સેનાએ હજુ સુધી આ ડીલ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.અત્યાર સુધી ભારત અને માલદીવની નૌકાદળ સૈન્ય સંયુક્ત રીતે આ સમગ્ર વિસ્તાર પર નજર રાખતી હતી. આ ક્ષેત્રમાં ચીનનો ખતરો વધી રહ્યો છે અને હવે માલદીવે પણ તેનો ફાયદો ઉઠાવીને ભારતને ધમકીઓ આપવાનું શરૂ કર્યું છે.

માલદીવની સેના પ્રથમ વખત મિલિટ્રી ડ્રોન એરક્રાફ્ટ ખરીદવા જઈ રહી છે. તે પણ ત્યારે, જ્યારે માલદીવ ચીનના દેવા તળે છે. માલદીવે ભારત પાસેથી અબજો ડોલરની લોન પણ લીધી છે. આ પછી પણ મુઈજ્જુ સરકાર ભારતને ધમકી આપવા માટે લોન લઈને ભારતને જ આરોપી સાબિત કરવા પર તુલ્યું છે. ભારત અને માલદીવની વધતી જતી દુશ્મનીથી તુર્કી અને ચીન સમૃદ્ધિની દિશામાં આગળ જઈ રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, માલદીવ તુર્કી પાસેથી ઓછામાં ઓછા ૩ કોમ્બેટ ડ્રોન ખરીદવા જઈ રહ્યું છે. આ સાથે માલદીવની સેના ભારતને અડીને આવેલા દરિયાઈ વિસ્તારો પર ૨૪ કલાક નજર રાખી શકશે.