ઢાકા, બાંગ્લાદેશમાં શેખ હસીનાએ ગુરુવારે વડાપ્રધાન તરીકે પાંચમી વખત શપથ લીધા. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)બાંગ્લાદેશમાં મુખ્ય વિરોધી પક્ષ છે. પૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા ઝિયા આ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. બીએનપી પાર્ટીના વિરોધ અને ચૂંટણીના બહિષ્કાર વચ્ચે ૭ જાન્યુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં અવામી લીગને ભારે બહુમતી મળ્યા બાદ શેખ હસીનાએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. શેખ હસીના ભારતના સહયોગી માનવામાં આવે છે આથી તેમને દૂર કરવા તેમની વિરોધી પાર્ટીએ ભારતના શત્રુ એવા ચીન સાથે હાથ મિલાવ્યા છે. બાંગ્લાદેશની વિરોધી પાર્ટી બીએનપીએ ભારત વિરોધી અભિયાન શરૂ કર્યું છે. તારિક ખાલિદા ઝિયાના પુત્ર અને બીએનપીના કાર્યવાહક અધ્યક્ષ છે. તેમની આગેવાની હેઠળ ભારત બાંગ્લાદેશની મિત્ર નથી તેવો નારો આપવામાં આવ્યો છે.
બીએનપીનું આ આંદોલન ગયા વર્ષે માલદીવમાં મોહમ્મદ મુઈઝ્ઝુની પાર્ટી પીએનસી દ્વારા ચલાવવામાં આવેલા અભિયાન જેવું જ છે, જેમાં તેણે ‘ઈન્ડિયા આઉટ’નો નારો આપ્યો હતો અને દેશમાં ભારતીય દખલગીરી ઘટાડવાની વાત કરી હતી. આ આંદોલન અને પછી મુઈઝુની જીત બાદ બંને દેશોના સંબંધોમાં ઘણી કડવાશ આવી ગઈ છે. બીએનપીનો આ પ્રકારનું આંદોલન શરૂ કરવાનો નિર્ણય એ બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવનાઓને ઉશ્કેરવાનો પ્રયાસ છે, જે ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
બીએનપીના કાર્યકરો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે ભારત ક્યારેય બાંગ્લાદેશનું મિત્ર નથી, તેઓ આપણા દેશને પોકળ કરી રહ્યા છે. બીએનપીના કાર્યર્ક્તાઓ કહી રહ્યા છે કે ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન પણ ભારતીયો માત્ર મદદ કરવા જ નહીં પરંતુ બંગાળીઓની કિંમતી સામાન લૂંટવા માટે પણ આવ્યા હતા અને સરહદ પારથી કિંમતી સામાન લઈ ગયા હતા. આવી સ્થિતિમાં ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની જાહેરાત કરવી જોઈએ અને દેશમાં ભારતની દખલગીરી ઘટાડવી જોઈએ. બીએનપી કાર્યર્ક્તાઓ ભારત સાથે સારા સંબંધો જાળવવા બદલ સત્તાધારી અવામી લીગ અને વડાપ્રધાન શેખ હસીનાને પણ નિશાન બનાવી રહ્યા છે. તેઓ ભવિષ્યમાં સત્તામાં આવશે તો બાંગ્લાદેશમાં ભારતની દખલગીરી ઘટાડવાનું પણ વચન આપી રહ્યા છે.
તારિક સામે બાંગ્લાદેશમાં ઘણા કેસ પેન્ડિંગ છે અને તે લાંબા સમયથી લંડનમાં રહે છે. રહેમાને પક્ષના સભ્યોને બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી અને ભારત વિરોધી ભાવનાઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે માલદીવની જેમ ભારત વિરોધી ચળવળ ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. બીએનપીના સાયબર સેલે પણ સોશિયલ મીડિયા પર આ અભિયાન શરૂ કર્યું છે. પાર્ટીની સાયબર વિંગના સભ્યો સોશિયલ મીડિયા દ્વારા હિન્દુ વિરોધી અને ભારત વિરોધી નફરત ફેલાવી રહ્યા છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની સ્થાપના ૧૯૭૮માં લશ્કરી શાસક જનરલ ઝિયાઉર રહેમાને કરી હતી. ઝિયાઉર રહેમાનના મૃત્યુ બાદ તેમની પત્ની બેગમ ખાલિદા જિયા આ પાર્ટીના વડા છે. ખાલિદા ઝિયા ૧૯૯૧ થી ૧૯૯૬ અને ૨૦૦૧ થી ૨૦૦૬ સુધી બે વખત બાંગ્લાદેશના વડા પ્રધાન રહી ચૂક્યા છે.