- હિન્દુ પક્ષે આ જ ધામમાં શિવલિંગ હોવાનો દાવો કર્યો છે.
નવીદિલ્હી, કાશીના જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે મસ્જિદ પરિસરમાં હાજર પાણીની ટાંકી (વુજુખાના) સાફ કરવાની મંજૂરી આપી છે. નોંધનીય છે કે હિન્દુ પક્ષે આ જ ધામમાં શિવલિંગ હોવાનો દાવો કર્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે હિન્દુ પક્ષની અરજી પર આ નિર્દેશ આપ્યો હતો. હકીક્તમાં, હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મસ્જિદ પરિસરમાં ભગવાનની પૂજા કરવાની પરવાનગી માંગી હતી. તેમજ તે ટાંકીમાં મરેલી માછલીઓ હોવાથી પાણીની ટાંકીની સફાઈ કરવા માંગ કરાઈ હતી. હિન્દુ પક્ષની અરજીનો મસ્જિદ પ્રબંધન સમિતિએ વિરોધ કર્યો ન હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચે પોતાના આદેશમાં કહ્યું કે ટાંકીની સફાઈ વારાણસીના જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ થવી જોઈએ. વરિષ્ઠ વકીલ માધવી દિવાન હિન્દુ પક્ષ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. મસ્જિદ સમિતિ વતી વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદી હાજર થયા હતા.
તમને જણાવી દઈએ કે, મે ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટે મસ્જિદના વુજુખાનામાં શિવલિંગ મળવાના દાવા બાદ વુજુખાનાને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને નમાજ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. ગયા વર્ષે, હિન્દુ પક્ષની માંગ પર, સુપ્રીમ કોર્ટે પુરાતત્વ વિભાગને મસ્જિદ સંકુલનો સર્વે કરવાની મંજૂરી આપી હતી. આ જ સર્વેમાં મસ્જિદ સંકુલના બાથરૂમમાં શિવલિંગ જેવો આકાર મળી આવ્યો હતો. હિન્દુ પક્ષે તેને શિવલિંગ હોવાનો દાવો કર્યો હતો.