અમદાવાદ, અમદાવાદમાં ઉત્તરાયણ પર અરેરાટીભર્યો બનાવ બન્યો હતો. પક્ષીનો જીવ બચાવતા એક ફાયર જવાને જીવ ગુમાવ્યો હતો. બોપલની મેપલ સ્કીમ પાસે આ ઘટના બની હતી. અનિલ પરમાર નામના ફાયર જવાનનું વીજ કરંટથી મોત નિપજ્યુ હતું. પતંગ દોરીમાં ફસાયેલા ચામાચીડિયાને બચાવતા સમયે હાઇટેન્શન વીજ લઈને સ્પર્શ થતા ભડથું થઇ ગયા હતા.
ઉત્તરાયણને કારણે અનેક જગ્યાઓએ પતંગના દોરા ફસાઈ જતા હોય છે. આ કારણે અનેક અબોલ જીવ આ દોરાઓમાં ફસાઈ જાય છે. આ કારણે આ અબોલ જીવોને બચાવવા માટે અનેક સંસ્થાઓ અભિયાન ચલાવે છે. તો ફાયર વિભાગ પણ પોતાના જીવને જોખમે દોરાઓમાં ફસાયેલા પક્ષીઓને બચાવતુ હોય છે. પરંતુ આ આ કામ કરતા સમયે અમદાવાદના એક ફાયર કર્મચારીનો જીવ ગયો છે.
ફાયર વિભાગનો કર્મચારી શહેરના બોપલ વિસ્તારમાં ફસાયેલા પક્ષીને બચાવવા ગયા હતા. આ દરમિયાન ફાયર વિભાગના અધિકારીને હાઇ ટેન્શન લાઇનનો કરંટ લાગતા મોત નીપજ્યુ છે. આ સમાચારને પગલે પરિવાર અને ફાયરના આખા સ્ટાફમાં દુખનો માહોલ છવાયો છે.
જોકે, હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કર્યા વગર કઈ રીતે ફાયરના કર્મચારી ત્યાં પહોંચીને કામ કરવા લાગ્યા તે તમામ અંગે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.