મુખ્યમંત્રી કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને જેલ અધિકારીએ લાંચ તરીકે લાખો રૂપિયા લીધા,સુકેશ ચંદ્રશેખર

નવીદિલ્હી, મહાઠગ સુકેશ ચંદ્રશેખર પોતાના કારનામાને કારણે ચર્ચામાં રહે છે. હવે સીબીઆઈ અને એલજીને આપવામાં આવેલી ફરિયાદમાં તેણે દાવો કર્યો છે કે તેણે સત્યેન્દ્ર જૈન, અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડીજી તિહાર સંદીપ ગોયલને લાખો રૂપિયા લાંચ તરીકે આપ્યા હતા.

સુકેશે સીબીઆઈને ફરિયાદ આપી છે, જેમાં આ ફરિયાદ સત્યેન્દ્ર જૈન, અરવિંદ કેજરીવાલ અને તિહારના પૂર્વ ડીજી સંદીપ ગોયલ વિરુદ્ધ છે. જેમાં સત્યેન્દ્ર જૈનની ચેટના ૩ સ્ક્રીન શોટ મુકવામાં આવ્યા છે, જે સુકેશ સાથેની વાતચીતના છે. આ સિવાય એલજીને વધુ એક ફરિયાદ આપવામાં આવી છે, જેમાં તપાસની વાત કરવામાં આવી છે.

આ જ ફરિયાદમાં સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે સત્યેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલના લોકો દ્વારા તેમને સતત ફરિયાદ પાછી ખેંચવા માટે કહેવામાં આવી રહ્યું છે અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.સીબીઆઇને લખેલા પત્રમાં સુકેશે દાવો કર્યો છે કે તેણે સત્યેન્દ્ર જૈનને જેલ પ્રોટેક્શન મનીના નામે ૧૦ કરોડ રૂપિયા આપ્યા હતા.

આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે સુકેશ ચંદ્રશેખર બોલિવૂડ એક્ટ્રેસ જેકલીનને ધમકી આપી રહ્યો છે. સુકેશની ધમકીઓથી પરેશાન જેક્લિને કોર્ટનો આશરો લીધો હતો. જેકલીને આ અંગે દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી અને કોર્ટમાં અરજી પણ કરી હતી કે સુકેશ તેને ધમકીઓ અને હેરાન કરતો હતો.