ભાવનગર, રાજ્યમાં રખડતા ઢોરને કારણે ભાવનગરમાં મોતી તળાવ રોડ પર વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો છે. મોટરસાયકલ સવારનું મોત થતાં લોકોનો તંત્ર સામે રોષ જોવા મળ્યો છે.
એક યુવક મોટરસાયકલ પર જઈ રહ્યો હતો. દરમિયાન મોતી તળાવ રોડ પર રખડતા ઢોર વચ્ચે આવતા મોટરસાયકલ અથડાતા અકસ્માત થયો હતો. ગંભીર રીતે ઈજા થયા બાદ ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું.થોડા મહિનાઓ અગાઉ ભાવનગરમાં આવો જ અન્ય બનાવ બન્યો હતો. જેમાં યુવક ઘોઘા સર્કલ પાસેથી જઈ રહ્યો હતો. દરમિયાન, ઢોર આડું ઉતરતા બાઈક સ્લીપ મારી હતી. બાદમાં યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.રખડતા ઢોરોના આતંકને લઈ પ્રજામાં તંત્ર વિરૂદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો છે. મૃતકનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં નિંદ્રાધીન બન્યું છે. લોકો મુસીબતમાં મૂકાયા છે અને રખડતાં ઢોરોનો આતંક યથાવત્ છે.
રખડતા ઢોરોના ત્રાસ અને હુમલાઓને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્ધારા ઝાટકણી કાઢ્યા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી. રાજ્ય સરકારે રખડતા ઢોરને લઈ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તાર માટે સરકારે માર્ગદશકા જાહેર કરી છે. આ વિસ્તારોમાં રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારની નવી ગાઇડલાઇન અનુસાર, રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે.પરમિશન માટે નિશ્ર્ચિત ચાર્જ ભરવો પડશે. તો જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.