અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારી સામે આવી છે. મોતિયાના ઓપરેશન બાદ 17થી વઘુ દર્દીઓને આડઅસર થઇ હોવાનું સામે આવ્યુ છે. આ 17 દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.
ઘટના કઇક એવી છે કે વિરમગામમાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન થયા હતા. તાજેતરમાં જ અંદાજે 25 લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જો કે ઓપરેશન બાદ દર્દીઓને આડ અસર થયાનું સામે આવ્યુ છે. તમામ દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના રહેવાસી હોવાની માહિતી છે.
મોતિયાના ઓપરેશન બાદ 25 પૈકી 17 લોકોને ઓપરેશન બાદ આડ અસર થઇ હોવાનું સામે આવ્યુ હતુ. દર્દીઓને અચાનક જ દેખાવાનું બંધ થઇ ગયુ હોવાની ફરિયાદ ઉઠી હતી. જેમાંથી 5 લોકોને વઘુ તકલીફ થતા અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય દર્દીઓની માંડલ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
દર્દીઓને દ્રષ્ટિને લગતી ફરિયાદ થતા જ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સ્થાનિક અઘિકારીઓ દોડતા થઇ ગયા છે. કયા કારણથી દર્દીઓને શેની આડ અસર થઇ છે તેની તપાસ ચાલી રહી છે.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ અંગેની તપાસ શરુ કરવામાં આવી છે.હોસ્પિટલમાં કોની બેદરકારી છે તે અંગે સવાલ ઉઠ્યો છે.
સમગ્ર મામલે કોણ જવાબદાર તેની સામે તપાસ શરુ કરવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ તો તાત્કાલિક ધોરણે દર્દીઓની સારવાર પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. દર્દીઓને દ્રષ્ટિને લગતી સમસ્યા દૂર થાય અને તેમને કોઇ આડ અસર ન રહે તે પ્રકારની વ્યવસ્થા શરુ કરવામાં આવી છે.