રાજ્યમાં આગામી ૨ દિવસોમાં લઘુત્તમ તાપમાન ૨ થી ૩ ડિગ્રી ઘટી શકે છે

અમદાવાદ, હાડ થીજવતી ઠંડી સહન કરવા માટે એકવાર ફરી તૈયાર થઇ જજો. જીહા, ઉત્તરાયણ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આગામી ૨ દિવસને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી ૨ દિવસોમાં લઘુત્તમ તાપમાન ૨ થી ૩ ડિગ્રી ઘટી શકે છે. વળી કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થાય તેવી સંભાવનાઓ છે.

રાજ્યમાં બે દિવસ તાપમાનમાં ઘટાડો થશે. ગઇકાલે સોમવારની જો વાત કરીએ તો દિવસના સમયે લોકોએ ગરમીનો અહેસાસ કર્યો હતો. પણ જેવી રાત પડી કે પારો ગગડ્યો અને ઠંડીનો લોકો અહેસાસ કર્યો હતો. રાજ્યના પાટનગરમાં રાત્રીના સમયે ૯ ડિગ્રીએ જેટલું નીચું તાપમાન નોંધાયું હતું. જો હવામાન વિભાગની માનીએ તો રાજ્યમાં લઘુતમ તાપમાન ૨ થી ૩ ડિગ્રી ઘટશે. તથા આજે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો રહેશે. તેમજ આજે ૪થી ૧૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. શિયાળાની ૠતુ ચાલે છે તેવામાં તાજેતરમાં રાજયમા ઠંડી અને ગરમી બંને ૠતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કાતિલ ઠંડીની આગાહી કરી દીધી છે. તેમના જણાવ્યા અનુસાર, ૧૫ જાન્યુઆરી બાદ એકવાર ફરી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી નીચું થઈ જશે. વલસાડ,સુરત, ડાંગમાં ઠંડી અનુભવાશે.

ઉપરાંત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઇને પણ એક મોટી આગાહી કરી છે. તેમણે આ વર્ષના પહેલા વાવાઝોડા બાબતે આગાહી કરતા કહ્યું છે કે, જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવે તેવી શકયતાઓ છે. તેમણે વધુમાં જણાવ્યું, ભૂમય સાગરમાં ચક્રવાત સર્જાઇ રહ્યુ છે. જેની અસર ભારતના પશ્ર્ચિમભાગ ઉપર થાય તેવી શકયતાઓ છે. ૨૪ થી ૨૬ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ર્ચિમ સૌરાષ્ટ્માં વરસાદ પડે તેવી શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય જિલ્લાઓમા વાદળવાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે.