જામનગર: ફેક ઇન્વેસમેન્ટ એપ્લિકેશનથી ફ્રોડ, ૫૦ લાખનું ફુલેકુ ફેરવનારા ૨ ઝડપાયા

જામનગર, જામનગરના એક વેપારીને દર મહિને રોકાણના બદલામાં ૨૫ ટકા જેટલું રિટર્ન આપવાની લાલચ આપીને રૂપિયા અડધા કરોડની રકમ પડાવી લઇ છેતરપિંડી કરવા અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જે પ્રકરણમાં સાઇબર ક્રાઇમ સેલની ટીમે તપાસ પશ્ચિમ બંગાળ સુધી લંબાવી ૨ આરોપીઓને ઝડપી લીધા છે, અને જામનગર લઈ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ફરિયાદની મહિતી મુજબ જામનગરના એક વેપારી ઓનલાઇને ફ્રોડ કરતી ટોળકીની ચૂંગાલમાં ફસાયા હતા, અને એક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન મારફતે રોકાણ કરાવી દર મહિને ૨૫ ટકા જેટલું રિટર્ન આપવાની લાલચ આપી હતી અને ૫૦ લાખથી વધુની રકમ મેળવી લઈ છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલે જામનગરના સાઇબર સેલના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, અને સાયબર પોલીસની ટીમ સમગ્ર ફરિયાદ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી.

સોશિયલ મીડિયાના માધ્યમથી ઊંડાણપૂર્વકની તપાસના આધારે પશ્ર્ચિમ બંગાળના કલકત્તા અને હાવડા શહેર સુધી તપાસનો દોર લંબાવ્યો હતો, ત્યાંથી કલકત્તા શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા વિવેક સુશીલ કુમાર કનોરીયા (ઉ.૩૮), તેમજ કલકત્તાના હાવડા વિસ્તારમાં રહેતા ભગતસિંહ ઇન્દ્રચંદ્ર વર્મા (ઉ.૪૧) ની અટકાયત કરી લીધી હતી. અને બંનેને જામનગર લઈ આવ્યા પછી ઉપરોક્ત ગુનામાં અટકાયત કરી લઇ રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

ચિટરો જામનગરના ફરિયાદી વેપારી સાથે વોટ્સએપ પર વાતચીત કરી ઇન્વેસ્ટમેન્ટ માટેની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી, અને ગોલ્ડ, ડાયમંડ તેમજ પ્લાસ્ટિક એમ જુદી-જુદી ત્રણ કોમોડીટીમાં ઓપ્શનમાં રોકાણ કરવાની લાલચ આપી દર મહિને ૨૫% જેટલું રિટર્ન આપવાની લોભામણી જાહેરાતો કરી હતી. અને તે મુજબના નાના નાના ત્રણ પેમેન્ટ કરાવીને ફાયદો કરાવી આપ્યો હતો.

આથી વેપારી વિશ્ર્વાસ કરી બેઠા હોવાથી વધુ રોકાણના બહાને કુલ અડધા કરોડથી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી આપી હતી. જે પૈસા મેળવી લીધા હતા, અને મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી લીધા હતા. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું હતું અને પોલીસના હાથે તપાસના અંતે બે આરોપીઓ પકડાયા છે. આ પ્રકરણમાં હજુ અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે જાણવા માટે કવાયત કરવામાં આવી રહી છે.