ભારત સામે પડવું મોહમ્મદ મુઈઝુને ભારે પડ્યુ, માલે મેયરની ચૂંટણીમાં ભારત સમર્થક દળની બમ્પર જીત

રાજધાની માલેની મેયરની ચૂંટણીમાં ભારત તરફી વિરોધ પક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)એ મેયરની ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. મુઇજ્જુ લક્ષદ્વીપ અંગે તેમના પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ વિપક્ષી દળોના પ્રહારો હેઠળ આવ્યા હતા.

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને મોટો ઝટકો લાગ્યો છે. મુઈઝુની પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC)ને શનિવારે રાજધાની માલેની મેયરની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીમાં ભારત તરફી વિરોધ પક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)એ મેયરની ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. મુઇજ્જુ લક્ષદ્વીપ અંગે તેમના પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ વિપક્ષી દળોના પ્રહારો હેઠળ આવ્યા હતા.

ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ, MDP ઉમેદવાર આદમ અઝીમ માલેના નવા મેયર તરીકે ચૂંટાયા છે. માલદીવના રાષ્ટ્રપતિ બનતા પહેલા મુઈઝૂ માલેના મેયર હતા. રાષ્ટ્રપતિ બન્યા પછી, તેમણે મેયર પદ પરથી રાજીનામું આપી દીધું, ત્યારબાદ અહીં ચૂંટણી યોજાઈ અને મુઈઝુની પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો. સ્થાનિક મીડિયાએ અઝીમની જીતને જંગી જીત ગણાવી છે.

વાસ્તવમાં, MDPનું નેતૃત્વ ભારત સમર્થક પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ કરે છે. માલદીવમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સોલિહ ચીન તરફી મુઇઝુ સામે હારી ગયા હતા. મેયરની ચૂંટણીમાં MDP ઉમેદવાર આદમ અઝીમ અને PNC ઉમેદવાર આશાયત અઝીમા શકુર વચ્ચે મુકાબલો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અઝીમની તરફેણમાં 45 ટકા વોટ પડ્યા હતા જ્યારે અઝીમા શકુરને માત્ર 29 ટકા વોટ મળ્યા હતા.

ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર સૈફ ફાતિહ અને અપક્ષ ઉમેદવારો હુસૈન વાહીદ અને અલી શોએબ પણ ચૂંટણીમાં સામેલ હતા. મેયરની ચૂંટણી માટે શનિવારે મતદાન થયું હતું. 54,680 પાત્ર મતદારોમાંથી લગભગ 30 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. એમડીપી ઉમેદવારને ચૂંટણીમાં ઓછા મતદાનનો લાભ મળ્યો અને તે જીતી ગયો.

તાજેતરમાં માલદીવના ત્રણ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતની તસવીરને લઈને સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. માલદીવના નેતાઓની ટિપ્પણી બાદ ભારત અને લક્ષદ્વીપ વચ્ચે તણાવ છે. જો કે મુઈઝુએ તેના ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.

માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝૂ ચીનની પાંચ દિવસની સરકારી મુલાકાત બાદ શનિવારે સ્વદેશ પરત ફર્યા છે. ચૂંટણી જીત્યા બાદ, તેમણે અઝીમને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને માલે સિટી કાઉન્સિલ અને મેયરને સહકાર આપવાનું વચન આપ્યું હતું. સાથે જ અઝીમે કહ્યું કે તેમની જીત માલેના તમામ રહેવાસીઓની જીત છે.