ઉત્તરાયણને દિવસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી ગળું કપાતા બે લોકોના મોત

અમદાવાદઃ આજે રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી હર્ષોલ્લાષ સાથે કરવામાં આવી હતી. લોકોએ મનભરીને પતંગ ચગાવી હતી. પરંતુ આ દરમિયાન ચાઇનીઝ દોરીને કારણે દુર્ઘટનાઓ પણ બની છે. રાજ્યમાં ચાઇનીઝ દોરીને કારણે બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દોરીને કારણે ગળું કપાવાથી ભાવનગર અને વડોદરામાં એક-એક વ્યક્તિના મોત થયા છે. આ દોરી પર પ્રતિબંધ છે છતાં લોકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે. 

વડોદરામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ચાઇનીઝ દોરીથી ગળું કપાતા એક યુવકનું મોત થયું છે. વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પર આ બનાવ બન્યો છે. ટુ-વ્હીલર પર જતાં 20 વર્ષના અનિકેત નામના યુવકના ગળામાં દોરી ભરાતા તેનું ગળું કપાય જતાં મોત નીપજ્યું છે. યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. 

ભાવનગર જિલ્લાના સણોસરા ખાતે પતંગની દોરીને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. સણોસરા ખાતે લશ્કરભાઈ ચૌહાણ નામના ભાઈ રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતા તે સમયે ચાઇનીઝ દોરીનો ભોગ બન્યા હતા. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી લશ્કર ભાઈનું ગળું કપાયું હતું. રસ્તા પર લોહીલુહાણ થઈ ગયા હતા. વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું મોત થયું હતું. ઉત્તરાયણનો તહેવાર ચૌહાણ પરિવાર માટે માતમમાં ફેરવાયો છે.