ધોધંંબાના પોયલી ગામે હાથણી ધોધ વહેતો થતાં સહેલાણીઓ ઉમટયા

રિપોર્ટર : યોગેશ કનોજીયા

ઘોઘંબા,
પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘંબા તાલુકાના પોયલી ગામે હાથણી ધોધ વરસાદના કારણે વહેતો થતાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ધોધનો આનંદ માણવા માટે ઉમટી પડ્યા. છેલ્લા ચાર-પાંચ દિવસથી અવિરત અને ધોધમાર વરસાદ સમગ્ર ગુજરાતમાં વરસી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં નાના ઝરણાઓ વહેતા થયા છે. નાના મોટા ચેકડેમો છલકાઈ જવા પામ્યા છે અને પ્રકૃતિ પણ લીલોછમ સાડલો ધારણ કરીને મહાલી રહી હોય તેવો ભાસ થાય છે.

આવી જ રીતે ઘોઘંબા તાલુકા મથકથી થોડાક જ કિલોમીટર દૂર જાંબુઘોડા અભયારણ્ય અને ઘોઘંબા તાલુકાના પોયલી ગામે પ્રખ્યાત હાથણી માતાનો ધોધ આવેલો છે. હાથણી માતાના ધોધમાં નાહવા માટે ખૂબ દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડે છે. હાથણી માતાનો ધોધ એ કુદરતી રીતે નિર્માણ પામેલો ધોધ છે. જ્યાં હાથણી માતાનું સ્થાનક પણ આવેલું છે. આ ધોધ અવિરતપણે ચાલુ થતા ચારે બાજુ ડુંગરોની ઘટમાળ વચ્ચે કુદરતી સૌંદર્યના વાતાવરણમાં મોટા પ્રમાણમાં વહેતા જળ સ્ત્રાવના પ્રવાહમાં લોકોને અનેરો આનંદ આવે છે. ખૂબ ઊંચી જગ્યાએથી પડતા આ ધોધને લીધે સહેલાણીઓને નાહવા માટે પણ ખુબ મજા આવતી હોય છે. હાથણી માતાના ધોધનો નજારો કંઇક અલગ જ હોય છે.

પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકો અને જાંબુઘોડા તાલુકાની પ્રકૃતિ એ ખરેખર કુદરતે મનમૂકીને સર્જન કર્યું હોય તેમાં સહેજ પણ નવાઈ નથી. સુંદર મજાના જંગલો અને ડુંગરો વચ્ચે આ વહેતો પાણીનો પ્રવાહ એટલે હાથણી ધોધ જોવાની ખૂબ જ મજા આવે છે.