૨૦ જાન્યુઆરીથી રામનગરી અયોધ્યામાં બહારના લોકોને પ્રવેશ નહીં મળે. અયોધ્યા ધામ અને શહેરમાં રહેનારા લોકોને તેમના ઘર સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે. જોકે આ માટે તેમને ઓળખ પત્ર બતાવવું પડશે. અયોધ્યા ધામમાં રહેતા લોકોને પોલીસ તંત્રએ ૨૧ અને ૨૨ જાન્યુઆરીએ ન નિકળવાની અપીલ કરી છે. અયોધ્યા શહેરમાં ફક્ત એ જ લોકો પ્રવેશ કરી શકશે, જેમને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું છે અથવા તે શહેરના રહેવાસી છે.
૨૦ થી ૨૨ જાન્યુઆરી સુધી અયોધ્યા ધામ હાઈ સિક્યોરિટી ઝોનમાં રહેશે. રામનગરીની તમામ બોર્ડર સીલ રહેશે. ૨૦ જાન્યુઆરીથી જ અયોધ્યા ધામમાં બહારના વાહનોને પ્રવેશ ન આપવાની તૈયારી છે. આ વાહનોને ઉદયા ચોક, સાકેત પેટ્રોલ પંપ, નવા ઘાટ સહિત અન્ય એન્ટ્રી પોઈન્ટ પર રોકવામાં આવશે. માત્ર અયોધ્યા ધામમાં રહેતા લોકોને તેમના ઘર સુધી જવાની છૂટ અપાશે. જિલ્લાના અન્ય વિસ્તારોથી અયોધ્યા કેન્ટ વિસ્તારમાં આવનારા લોકોને શહેરમાં નહીં રોકવામાં આવે. તો તંત્ર તરફથી જાહેર કરાતા ડાયવર્ઝન પ્લાનનું પાલન કરીને શહેરના ડેસ્ટિનેશન સુધી જઈ શકશે.
અયોધ્યા પોલીસ કમિશ્ર્નર પ્રવીણ કુમારે કહ્યું કે, અયોધ્યા ધામમાં ૨૦ જાન્યુઆરીથી માત્ર સ્થાનિક લોકોને પ્રવેશ મળશે. ફૈઝાબાદ શહેરમાં ડાયવર્ઝન સિવાય અન્ય માર્ગો પર લોકો જઈ શકશે. ડાયવર્ઝન પ્લાન શેર કરી દેવાશે.અયોધ્યાવાસી યજમાનની ભૂમિકામાં છે. તેમને અપીલ છે કે, મહેમાનોને કોઈ તકલીફ ન થાય, એટલા માટે તેઓ સહયોગ કરે. ૨૧ અને ૨૨ જાન્યુઆરીએ ન નીકળે.
પ્રાણ પ્રતિષ્ઠા ૨૨ જાન્યુઆરીએ થશે, જેના કારણે સામાન્ય નાગરિકો ૨૦ જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી રામલલાના દર્શન કરી શકશે નહીં. જણાવી દઈએ કે આ સિસ્ટમ માત્ર સામાન્ય લોકો માટે જ નહીં પરંતુ તમામ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને રાજદૂતો વગેરે માટે પણ ઉપલબ્ધ હશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અપીલ કરી છે કે પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને રાજદૂતો જેવા પ્રોટોકોલ વીવીઆઈપીઓએ અયોધ્યા ન આવવું જોઈએ.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન જેમને આમંત્રણ છે તે લોકોને મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારની ઈલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવા દેવામાં નહીં આવે. આ સમયગાળા દરમિયાન મોબાઈલ-ઈલેક્ટ્રોનિક ઘડિયાળ, લેપટોપ, કેમેરા વગેરે લઈ જવા પર સખત પ્રતિબંધ છે. જે લોકો આ નિયમ તોડશે તેમના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
આ સાથે બેલ્ટ અથવા જૂતા પહેરીને મંદિરની અંદર પ્રવેશ નહીં મળે. આ સાથે કોઈપણ પ્રકારના ખાદ્યપદાર્થો સાથે મંદિર પરિસરમાં પ્રવેશ નહીં આપવામાં આવે. આ સમયગાળા દરમિયાન, ઘરના ખોરાકથી લઈને ફાસ્ટ ફૂડ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તો પર્સ, ઈયરફોન અથવા રિમોટ સાથેની કોઈ વસ્તુ હોય તો તમારે તેને પ્રવેશ દ્વાર પર છોડી દેવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. ત્યારબાદ ૨૩ જાન્યુઆરીએ તમામ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. ટ્રસ્ટ એ સુનિશ્ચિત કરવાનું વિચારી રહ્યું છે કે કોઈ પણ ભક્ત દર્શન કર્યા વિના પાછા ન ફરે. ભીડના કિસ્સામાં રામલલાનો દરબાર ૧૫ થી ૧૮ કલાક સુધી ખુલ્લો રહી શકે છે. અયોધ્યામાં એક કાર્યક્રમ દરમિયાન રામમંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે, લોકોએ ૨૬મી જાન્યુઆરી પછી જ મંદિરમાં દર્શન માટે આવવું જોઈએ. ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ ખાતરી આપી હતી કે જ્યાં સુધી બધા જ લોકો દર્શન કરી લેશે નહીં, ત્યાં સુધી મંદિરના કપાટ ખુલ્લા રહેશે, પછી ભલે રાતના ૧૨ કેમ વાગ્યા ન હોય. જોકે, લોકો નારાજ થશે કે બાળકને આટલી રાત સુધી કેમ જગાડી રાખ્યું છે.