દહેગામના લીહોડા ગામે વધુ પડતા દારૂ સેવન અને અન્ય બીમારીના લીધે બેના મોત, ત્રણની સ્થિતિ ગંભીર

ગાંધીનગર: ગુજરાતમાં ફરી એકવાર દેશી દારૂએ લોકોના જીવ લીધા છે. ગાંધીનગરના દહેગામ તાલુકામાં દારૂ સેવન અને અન્ય બીમારીના લીધે મોત થયા છે. તો કુલ સાત લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જે પૈકી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે. દહેગામ તાલુકાના લીહોડા ગામમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે.

ઘટના કઇક એવી છે કે ઉત્તરાયણના પર્વની મોડી રાત્રે દહેગામ તાલુકાના લીહોડા ગામમાં બે લોકોના મોત અને અન્ય અસરગ્રસ્ત 7 લોકો પૈકી ત્રણ લોકોની તબીયત અચાનક લથડી હોવાનું સામે આવ્યુ હતુ.આ ઘટનામાં દેશી દારુ પીધા બાદ અને અન્ય બીમારીના કારણે બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. અન્ય ત્રણ લોકોની પણ દારુ પીધા બાદ તબીયત બગડી હોવાનું સામે આવ્યુ છે.

મૃતકોના નામ

  • કાનાજી ઉમેદજી ઝાલા, 35વર્ષ
  • વિક્રમસિંહ રગતસિંહ ઝાલા, 35વર્ષ

 સારવાર લઇ રહેલા અસરગ્રસ્તના નામ

  • બળવત સિંહ ઝાલા, 40વર્ષ
  • રાજુ સિંહ ઝાલા, 40વર્ષ
  • કાલાજી મોતીજી ઠાકોર , 42વર્ષ
  • ચેહરજી ગગાજી ઝાલા, 70વર્ષ
  • મગરસિંહ ઝાલા, 42વર્ષ
  • વિનોદ ઠાકોર, 45વર્ષ
  • વિક્રમ પ્રતાપસિંહ

ઘટના બનતા જ હાલમાં 108 એમ્બ્યુલન્સને લીહોડા ગામમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.ત્રણ લોકોની હાલત ગંભીર હોવાની માહિતી મળતા તેમના સારવાર અર્થે ખસેડાયા છે.આ સમગ્ર બનાવની જાણ રખિયાલ પોલીસને કરવામાં આવી હતી.જે પછી રખિયાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.જે પછી દારુના અડ્ડા અને દારુ વેચનારાઓની શોધખોળ શરુ કરી હતી.

લીહોડા ગામમાં હાલ તંત્રની ચાંપતી નજર છે. દારુ પીધા બાદ જો કોઇની સ્થિતિ ખરાબ થઇ હોય તેવુ જણાઇ આવે તો તેમને તાત્કાલિક 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી છે.ગઇકાલે આ ઘટના બનતા જ રેન્જ આઇજી અને જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો લીહોડા ગામે પહોંચી ગયો હતો.પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

બીજી તરફ સમગ્ર ઘટનાને લઇને લઠ્ઠાકાંડ થયો હોવાની શંકા હતી. જો કે હવે FSI રિપોર્ટથી આ ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયુ છે.  FSIના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, જે દારૂ પીવાયો હતો, તેમાં મિથેનોલની હાજરી નથી. જેથી લઠ્ઠાકાંડ થવાની આશંકા હતી, તે દૂર થઈ ગઈ છે.  વધુ પડતા દારૂના સેવન અને અન્ય બીમારીના લીધે બે લોકોના મોત થયાની આશંકા છે.