દાહોદ, દાહોદ શહેરના ચૂંટાયેલા કાઉન્સિલરો પૈકીના મોટાભાગના કાઉન્સિલરો સ્વચ્છતામાં નાપાસ થતા સ્વચ્છતાના રાજ્યના માપદંડમાં દાહોદ શહેર ચારમાંથી સીધું આઠમા ક્રમાંકે ધકેલાતા વિવિધતામાં એકતાને માનનારા દાહોદની સ્વચ્છતામાં થયેલી “ગંદી” પીછેહઠના કારણે સ્વચ્છતાના પાઠ ભણાવવા બોલાવવામાં આવેલી ઇન્દોરની ટીમ પાછળ કરેલ લાખોનો ખર્ચ પાણીમાં કાઢ્યાનું મનાઈ રહ્યું છે.
વિકાસ અને સ્વચ્છતાની વાતો વચ્ચે સ્વચ્છ સર્વેક્ષણ 2023ના જાહેર થયેલા પરિણામોમાં રાજ્યમાં દાહોદ ચોથા નંબરેથી આઠમા નંબરે ધેકેલાઈ ગયું છે. સાથે સાથે જીલ્લાની અન્ય બે નગરપાલિકા ઝાલોદ 44 માં ક્રમેથી 128 માં ક્રમે અને દેવગઢ બારીયા 24 માં નંબરેથી 94 માં નંબરે ધકેલાઈ ગયા છે. દાહોદ નગરપાલિકાની સાથે સાથે દેવગઢ બારીયા તથા ઝાલોદ નગરપાલિકા પણ શહેરને સ્વચ્છ રાખવાની હરીફાઈ માં ગત વર્ષની સરખામણીમાં નોંધપાત્ર રીતે પાછળ ધકેલાતા સ્વચ્છતા અભિયાનના નામે, કરાયેલા વિવિધ કાર્યક્રમો તાયફા રૂપ સાબિત થયા છે. અને શહેરના મોટાભાગના પ્રતિનિધિઓ ઘર આંગણે સ્વચ્છતામાં નાપાસ જોવા મળ્યા છે. દાહોદ શહેરમાં ઠેર ઠેર જોવા મળતા દુર્ગંધ મારતા કચરાના ઢગ અને ઠેર ઠેર ઉભરાતી શહેરની ગટરોને મામલે પાલિકાના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા સવેલી નીરસતા જ શહેરને સ્વચ્છતાના મામલે ચોથા નંબરેથી આઠમા નંબરે ધકેલવામાં મહત્તમ જવાબદાર હોવાનું લેખાઈ રહ્યું છે. સફાઈને મામલે લોકશાહીની ચોથી જાગીરે પણ અખબારી માધ્યમો દ્વારા કરવામાં આવેલા પાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓના કાન આમળવાના પ્રયાસો પણ માથે પડ્યા છે. દાહોદની ધરોહર એવી પવિત્ર મનાતી પૂર્વાભિમુખ દુધીમતિ નદીની પારાવાર ગંદગી પણ સ્વચ્છતાના મામલે ગંદા દાહોદ માટે જવાબદાર લેખાઈ રહી છે. જે જન પ્રતિનિધિઓ પોતાના ઘરની આંગણે જ સ્વચ્છતા નથી રાખી શકતા તેમની પાસે સ્વચ્છતાની શું અપેક્ષા રાખવી? એ દાહોદવાસીઓએ સમજી લેવાની જરૂર છે. સમગ્ર દેશમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરનો સ્વચ્છ સર્વેક્ષણમાં આ વખતે પણ પ્રથમ નંબર આવતા દાહોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના મામલે માર્ગદર્શન માટે ઈન્દોરની ટીમને પણ બોલાવવામાં આવી હતી. અને તે ટીમે ચાર માસ સુધી દાહોદમાં રહી સ્વચ્છતા બાબતે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. અને આ ટીમનો એક માસનો ખર્ચ ચાર લાખ રૂપિયા લેખે ગણતા ચાર માસના રૂપિયા 16 લાખ ખર્ચ થયાનું બિન સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પરંતુ 16 લાખનો ખર્ચો કર્યા પછી પણ દાહોદ સ્વચ્છ સર્વેક્ષણમાં ચોથા ક્રમાંક પરથી આઠમા ક્રમાંક પર ધકેલાતા વિવિધતામાં એકતાને માનનારા દાહોદ શહેરની આ મામલેની ગંદી પીછે હઠ માટે જવાબદાર કોણ? તે પ્રશ્ર્નનો જવાબ મેળવવો દાહોદ વાસીઓ માટે અત્યંત જરૂરી થઈ પડ્યો છે. અને સફાઈના નામે અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલા ધતિંગ સામે જન પ્રતિનિધિઓ દ્વારા આંખ આડા કાન ન કરી તેમના કાન મરોડવામાં આવે અને શહેરને સ્વચ્છ રાખવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવે તે જરૂરી છે. કારણ કે થોડા સમય પહેલા દાહોદ નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા નેતાગણ જેવા મહાનુભાવો દાહોદ શહેરના ચોખ્ખા ચણક રસ્તા પર સાવરણા પકડી ફોટા પડાવતા દેખાયા હતા અને તે ફોટા પણ મોજુદ છે. તેમના આવા દેખાડાને કારણે જ સ્વચ્છ સર્વેક્ષણમાં દાહોદ ચોથા પરથી આઠમા ક્રમે ધેકેલાઈ જતા સ્વચ્છતાના મામલે દાહોદની જનતાને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે.