એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી)એ ભૂષણ સ્ટીલ લિમિટેડ સામે ૫૬,૦૦૦ કરોડની બેંક લોન છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોમાં કંપનીના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ બેક્નિંગ પંકજ કુમાર તિવારી, ભૂતપૂર્વ વીપી એકાઉન્ટ્સ પંકજ કુમાર અગ્રવાલ, ભૂતપૂર્વ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર નીતિન જોહરી, ભૂતપૂર્વ પ્રમોટર નીરજ સિંગલના સાળા અજય મિત્તલ, મિત્તલની પત્ની અને નીરજ સિંગલની બહેન, અર્ચના મિત્તલનો સમાવેશ થાય છે.
કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, ભૂષણ સ્ટીલને ૨૦૧૮માં ટાટા સ્ટીલ લિમિટેડ દ્વારા લેવામાં આવી હતી. ઇડી અનુસાર, ભૂષણ સ્ટીલ લિમિટેડના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર નીરજ સિંગલ અને તેના સહયોગીઓએ ઘણી શેલ કંપનીઓ બનાવી અને બીએસએલ સાથે જોડાયેલા પ્રમોટરો અને એન્ટિટીઓએ બેંક લોનના ભાગ રૃપે “એક કંપનીમાંથી બીજી કંપનીમાં ભંડોળ ફેરવી છેતરપિંડી કરી.”
બીએસએલના પ્રમોટરો, ડિરેક્ટરો અને અધિકારીઓએ “બનાવટી” દસ્તાવેજો તૈયાર કર્યા અને બેંકો સમક્ષ એલસીએસ (લેટર્સ ઓફ ક્રેડિટ)ને ડિસ્કાઉન્ટ કરવા માટે છેતરપિંડીભરી રજૂઆતો કરી અને ખોટી રીતે નુકસાન પહોંચાડવાના “ખરાબ” ઈરાદાઓ સાથે ભંડોળને તેમની પોતાની કંપનીઓના વેબમાં “ડાઇવર્ટ” કર્યું. તેના લીધે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંકને મોટો નાણાકીય ફટકો પડયો.
“સર્ચ ઓપરેશન દરમિયાન, વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. ડિજિટલ પુરાવા નીરજ સિંગલના મુખ્ય કર્મચારીઓ/વિશ્વાસીઓ સાથે છુપાવવામાં આવ્યા હતા,” એમ ઇડીએ જમાવ્યું હતું. એજન્સીએ દરોડા દરમિયાન ૭૨ લાખ રોકડ, લગભગ ૫૨ લાખના મૂલ્યના વિદેશી ચલણ/ટ્રાવેલર્સ ચેક અને ૪ કરોડનું મૂલ્ય ધરાવતી ત્રણ લક્ઝરી કાર (મર્સિડીઝ બેન્ઝ) પણ જપ્ત કરી હતી. સિંગલની આ વર્ષે જૂનમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેની આ કેસમાં ૬૧.૩૮ કરોડની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી.