પંચમહાલ જિલ્લામાં વેપારીએ ખંડણીના 50 હજાર નહીં આપતા 4 ઈસમોએ વેપારી પર કર્યો હુમલો : સમગ્ર ધટના CCTV ma કેદ.

હાલોલ બાયપાસ રોડના ગોપીપુરા ચોકડી ઉપર આવેલી એકતા ટ્રેડર્સ નામની દુકાનના વેપારી પાસે માંગવામાં આવેલી ખંડણીના 50 હજાર રૂપિયા વેપારીએ નહીં આપતા બાસ્કા ગામના માથાભારે ઈસમોએ વેપારી ઉપર જીવલેણ હુમલો કરી ઢોર માર માર્યા હોવાની ફરિયાદ વેપારીએ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવતા પોલીસે વેપારી સાથે થયેલી મારામારીના સીસીટીવી ફૂટેજ મેળવી ચાર ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

હાલોલ બાયપાસ રોડ ઉપર તાજપુરાની હદમાં આવેલ ગોપીપુરા ચોકડી પાસે એકતા ટ્રેડર્સ નામે દુકાન ચલાવતા ઇમરાન ઉસ્માનભાઈ વહોરા પાસે હાલોલના બાસ્કા ગામના માથાભારે ઈસમ તોહીદ ઈમ્તિયાઝ અલી મકરાની દ્વારા આ રોડ ઉપર ધંધો કરવો હોય તો મને 50 હજાર રૂપિયા આપવા પડશે અને જો પૈસા નહીં આપે તો અહીં ધંધો નહીં કરવા દઉં અને જાનથી મારી નાખીશ તેમ કહી ખંડણીની માંગણી કરી હતી.

બે દિવસ સુધી વેપારી ઇમરાન વહોરાએ કોઈ પ્રતિક્રિયા નહીં આપતા ગઈકાલે શનિવારે બપોરે બાસ્કાનો તોહીદ ઈમ્તિયાઝ મકરાની તેના અન્ય ત્રણ સાગરીતો મોઈનઅલી ઉર્ફે મનહર ઈલમુદ્દીન મકરાણી, હમીદ ઉર્ફે ઈલુ સમંદર મકરાની, તેમજ અન્ય એક શખ્સ સાથે ઇમરાન વહોરાની દુકાને પહોંચી ખંડણીના 50 હજાર કેમ આપ્યા નથી તેમ કહી પૈસાની માંગણી કરતા વેપારીએ નાણાં નહીં આપતા તેના ઉપર તોહીદ મકરાણીએ ચપ્પાથી હુમલો કરી અપશબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય ઈસમોએ ગડદાપાટુંનો માર મારી ભય ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.

વેપારીના હાથમાં ચપ્પુ વાગતા તેને ઇજા પહોંચી હતી. એક્ટિવા અને બર્ગમેન લઈ આવેલા ચારે ઈસમો વેપારીનો પુત્ર અને ભાઈ તેમજ અન્ય એક ઈસમ આવી જતા ભાગી છૂટ્યા હતા. વેપારીએ આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સાથે હાલોલ રૂરલ પોલિસ મથકે ત્રણ ઈસમોના નામ સાથે અને અન્ય એક અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી. 384, 387, 324, 323, 504, 506 ( 2 ) ने 114 मु०४ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.