દેશમાં ટૂંક સમયમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે ,રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ

  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોરીડોર માટે જમીન સંપાદનનું ૧૦૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે

ગાંધીનગર, વાઈબ્રન્ટ સમિટમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે વાઈબ્રન્ટ સમિટમાં હાજરી આપી હતી. દરમ્યાન પત્રકારો સાથેની વાતચીતમાં બુલેટ ટ્રેનને લઈને મહત્વની માહિતી આપતા જણાવ્યું કે દેશમાં ટૂંક સમયમાં મુંબઇ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન શરૂ થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોરીડોર માટે જમીન સંપાદનનું ૧૦૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી સમયમાં પ્રોજેક્ટના સ્ટ્રકર્ચ મામલે ઝડપી કાર્યવાહી હાથ ધરાશે. જેના બાદ દેશમાં ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન દોડી શકે છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જવાબદારી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડને સોંપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે કુલ કુલ ૧૩૮૯.૪૯ હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. રેલ્વે મંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી કે દેશના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ૧૦૦ ટકા જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યોના અંતરને ઘટાડતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું મહત્વનું કાર્ય પૂર્ણ થતા હવે સ્ટ્રકચર્સ સંબંધિત સેવામાં શ્રેષ્ઠ કામગીરી પૂર્ણ કરી શક્ય તેટલી વહેલી તકે બુલેટ ટ્રેન દોડાવાનો પ્રયાસ કરાશે.

ગુજરાતમાં આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે મહત્વના શહેરો એવા સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતીમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જ્યારે મુંબઈ અને અમદાવાદ વચ્ચે ૮ નદી પર પુલ બનાવવામાં આવ્યા છે અને ૨૭૨ કિલોમીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સાબરમતી ખાતેના ટર્મિનલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે જ્યારે મુંબઈમાં બીકેસી કોમ્પ્લેક્સના પાયાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ૨૦૨૬માં મુંબઈ-અમદાવાદ વચ્ચેના સેક્શનમાં બુલેટ ટ્રેનનું સંચાલન શરૂ થશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપવા આવેલા રેલ્વે મંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન ૨૦૨૬માં સુરત અને બીલીમોરા વચ્ચે કાર્યરત થશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ૨૦૧૬ માં અસ્તિત્વમાં આવ્યો અને ૨૦૧૭ માં શિલાન્યાસ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. પરંતુ જમીન સંપાદનમાં અવરોધોને કારણે તેમાં વિલંબ થયો હતો. જોકે, હવે જમીન સંપાદનની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થતા અનેક વિભાગોમાં બાંધકામની કામગીરીની ગતિ તેજ કરાશે. જો કે, આ ટ્રેન ક્યાં સુધી સમગ્ર રૂટ પર ચાલશે તેની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પ્રથમ વખત જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મુંબઈ અને અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનની કુલ મુસાફરી ૫૦૮ કિલોમીટરની રહેશે. બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે. બંને શહેરો વચ્ચેની મુસાફરીમાં ૨ કલાક ૭ મિનિટનો સમય લાગશે. હાલમાં આ અંતર ટ્રેન દ્વારા લગભગ ૫ કલાકમાં કાપવામાં આવે છે. આ ૫૦૮ કિલોમીટરના રૂટમાં ૩૪૮ કિલોમીટર ગુજરાતમાં જ્યારે ૧૫૬ કિલોમીટર મહારાષ્ટ્રમાં હશે. બુલેટ ટ્રેનના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો વચ્ચેની મુસાફરી ઝડપી બનશે.