હું મારા દીકરાને ધારાસભ્ય બનાવીશ, બનાવીશ અને બનાવીશ જ અને હું સંસદની ચૂંટણી લડવાનો પ્રયાસ કરીશ… પોતાના ડાયલોગથી લોકપ્રિયતા મેળવાનાર એક સમયના દબંગ ધારાસભ્ય હવે ના ઘરના રહ્યાં છે, ને ઘાટના. કારણ કે, કોઈ પણ પક્ષ આ દબંગ ધારાસભ્યને પોતાના પક્ષમાં લેવા તૈયાર નથી. મધુ શ્રીવાસ્તવની છાપ ‘દબંગ’ અને ‘બાહુબલી’ નેતા તરીકેની છે, વિવાદો સાથેનો તેમનો નાતો પણ ઘણો જૂનો છે. ત્યારે હવે આ દબંગ ધારાસભ્ય રાજકીય ઘર શોધી રહ્યાં છે. પણ ક્યાંય તેમનો મેળ પડી રહ્યો નથી. તેમને ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી જાકારો મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે તેવી ચર્ચા વહેતી થઈ છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે. ત્યારે હવે વાઘોડિયા બેઠક પર લોકસભાની ચૂંટણી સમયે પેટાચૂંટણી આવવાની સંભાવના છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત પણ કરી લીધી છે. ઉત્તરાયણ પછી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે. આવામાં વાઘોડિયાના દબંગ ધારાસભ્ય ફરીથી એક્ટિવ થયા છે. ગત વિધાનસભામાં ચૂંટણીમાં તેઓએ પાર્ટી સામે બળવો કર્યો હતો, અને અપક્ષ ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. ત્યારે હવે વાઘોડિયા બેઠક ખાલી થતા ફરીથી દબંગ નેતા એક્ટિવ થવા માંગે છે. પરંતુ તેમને ક્યાય મેળ પડતો નથી. ભાજપ સામે કરેલો બળવો હવે તેમને ભારે પડી રહ્યો છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમને બહારનો દરવાજો બતાવી દીધો છે. જાણવા મળ્યુ કે, ફરીથી વાઘોડિયા બેઠક ઉપર કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડવા ઉત્સુક પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા એક પ્રયાસ કરાયો હતો. તેઓ કોંગ્રેસ કાર્યાલયે ગયા તો કોંગ્રેસ તેમને કાર્યકર તરીકે પણ ન લેવાની ઘસીને કહી દીધું. તો આ પહેલાં ભાજપમાં ફરી જોડાવવા કમલમ ખાતે ગયા તો ભાજપે પણ ફરી લેવાનો ઇનકાર કરી દેવાયો.
થોડા દિવસો પહેલા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. તેઓ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મુલાકાત માટે પહોંચ્યા હતા. જેના બાદ મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ હતું કે, અમદાવાદમાં મારા મિત્ર અશોકસિંહ ઠાકોરને મળવા ગયો હતો
ત્યાંથી કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહને મળ્યો હતો. શક્તિસિંહ અને હું જૂના મિત્રો છીએ.
આમ, લોકસભા ચૂંટણી પહેલા મધુ શ્રીવાસ્તવ ફરી એક્ટિવ થવા માંગે છે. જોકે, કોંગ્રેસ કાર્યાલતની મુલાકાત વિશે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ કે ભાજપમાં નહીં જોડાવું. સાથે જ ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટના વિરૂધ્ધમાં બોલ્યા કે, રંજનબેન લોકસભા લડશે તો એમના વિરૂદ્ધમાં પ્રચાર કરીશ. હું ચૂંટણી લડું કે નહીં તે આગામી સમયમાં ખબર પડશે. મધુ શ્રીવાસ્તવ આજે પણ વાઘોડિયા મતવિસ્તારના લોકોના કામ કરે છે .
શ્રીવાસ્તવ છ વખતથી વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહ્યાં. તેમનાં પત્ની તાલુકા તથા જિલ્લા પંચાયત પ્રમુખપદે રહ્યાં છે અને તેમનાં દીકરી પણ રાજકારણમાં સક્રિય છે. મધુ શ્રીવાસ્તવ પોતાના પુત્ર દીપકને રાજકીય વારસ તરીકે સ્થાપિત કરવા માગતા છે. તેથી તેઓએ ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 15માંથી કૉર્પોરેટર તરીકે ભાજપની ટિકિટ અપાવવા માગતા હતા, આ માટે તેમણે પૂરતું લૉબિંગ કર્યું હતું, છતાં તેમને ટિકિટ મળી ન હતી. ત્યાથી તેમનું ભાજપ સાથે બગડ્યુ હતું. જેની અસર વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હતી.