અમરેલી, અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમ વિસ્તારમાં કુવામાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે. દકુભાઈ ધાનાણીના વાડીમાં ખેત મજૂર તરીકે કામ કરતા પરપ્રાંતિય પતિ પત્ની અને નણંદનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા અમરેલી ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી અને કૂવામાં પડવાનું કારણ અકબંધ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીનાં લાલવદર ગામે કૂવામાંથી ૩ શ્રમિકોનાં મૃતદેહ મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગામની વાડીમાં આવેલા કૂવામાં શ્રમિકોનાં મૃતદેહ મળ્યા હતા. શ્રમિકોએ આત્મ હત્યા કરી કે હત્યા થઈ તે અંગે હજુ અસમંજસ સ્થિતિ છે. અમરેલી જિલ્લા સાંસદ નારણ કાછડીયા ને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
પોલીસ પૂછપરછમા સામે આવ્યું કે, ગુરુવારે રાત્રે શ્રમિકો વચ્ચે કોઈ બાબતે લડાઈ થઈ હતી. તેના બાદ એક જ પરિવારના ત્રણેય શ્રમિકોએ કૂવામાં કૂદીને મોત વ્હાલુ કર્યું હતું. જોકે, તેમના વચ્ચે કયા કારણોસર બોલાચાલી થઈ હતી, તે હજી જાણી શકાયુ નથી. પરંતુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાલ આસપાસ કામ કરતા તેમના સ્વજનોને બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
જોકે, હાલ શ્રમિકો વચ્ચે કયા મુદ્દે ઝગડો થયો હતો અને તેઓએ કેમ કૂવામાં પડીને મોત વ્હાલુ કર્યું તે હજી જાણી શકાયુ નથી. બાબતે ગામનાં રહીશોને જાણ થતા તેઓએ આ બાબતે તાત્કાલીક અમરેલી ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાં સ્થળે પહોંચી ત્રણેય મૃતદેહ બહાર કાઢ્યા હતા. જોકે, આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.