આઇએમએફે પાકિસ્તાનને ૭૦૦ મિલિયનની તાત્કાલિક લોન આપવાની મંજૂરી આપી

ઇસ્લામાબાદ, આતંકવાદથી ગ્રસ્ત દેશ પાકિસ્તાન હાલ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. ત્યાંના નાગરિકોને ભૂખમરી, મોંઘવારી, બેરોજગારી સહિતની અનેક સમસ્યાઓ વેઠવી પડી રહી છે. ત્યારે હવે કંગાળ પાકિસ્તાન માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની એક્ઝિક્યુટિવ બોર્ડે દેશના આર્થિક સુધાર કાર્યક્રમની તેની પ્રથમ સમીક્ષા પૂર્ણ કરી અને ૭૦૦ મિલિયનની તાત્કાલિક લોન આપવાની મંજૂરી આપી, તેમ મીડિયા રિપોર્ટથી જાણવા મળ્યું છે.

રિપોર્ટમાં પાકિસ્તાનના નાણાં મંત્રાલયના એક નિવેદનને ટાંકવામાં આવ્યું છે કે, બોર્ડની મંજરી એસડીઆર ૫૨૮ મિલિયન (લગભગ ૭૦૦ મિલિયન) ના ત્વરિત વિતરણની પરવાનગી આપે છે, જેથી એસબીએ હેઠળ કુલ વિતરણ યુએસ ૧.૯ બિલિયન થાય છે. આઇએમએફની આ મંજૂરી, તેના અને પાકિસ્તાન વચ્ચે ૧૫ નવેમ્બર, ૨૦૨૩ના રોજ હસ્તાક્ષર કરાયેલ કર્મચારી-સ્તરના કરારને અનુસરે છે, જે મુખ્ય સુધારાઓ લાગુ કરવા માટે દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

આઇએમએફ એક્ઝિક્યુટિવ બોર્ડની મંજૂરી કાર્યકારી નાણાંપ્રધાન શમશાદ અખ્તર અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીર દ્વારા દેશના અર્થતંત્રને પુનર્જીવિત કરવાના સતત પ્રયાસો વચ્ચે આવી. રિપોર્ટ્સ અનુસાર, આઈએમએફ બોર્ડની મંજૂરી બાદ પાકિસ્તાનને લગભગ ૭૦૦ મિલિયન યુએસ ડોલરનો બીજો હપ્તો મળશે. જ્યારે,આઈએમએફએ જુલાઈમાં ૧.૨ બિલિયનનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો હતો. નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ, પાકિસ્તાને આઈએમએફના તમામ લક્ષ્ય મેળવી લીધા છે અને આશા છે કે તેઓ અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરવામાં સક્ષમ થશે. જણાવી દઈએ કે, ગયા વર્ષે ૧૬ નવેમ્બરના રોજ, પાકિસ્તાન અને આઈએમએફ વચ્ચે એસબીએ હેઠળ પ્રથમ સમીક્ષા પર કર્મચારી-સ્તરનો કરાર થયો હતો. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવેમ્બર ૨૦૨૨ માં પાકિસ્તાનનું કુલ દેવું પીકેઆર ૫૦.૯૫૯ ટ્રિલિયન હતું, જે વધીને નવેમ્બર, ૨૦૨૩ સુધીમાં પીકેઆર ૬૩.૩૯૦ ટ્રિલિયન નોંધાયું હતું.