
નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યાની રામ જન્મભૂમિ પર બની રહેલા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે આજેથી વિશેષ અનુષ્ઠાન શરૂ કર્યા છે. આ અનુષ્ઠાન પૂરા ૧૧ દિવસ ચાલશે અને ૨૨ જાન્યુઆરીએ જ્યારે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે ત્યારે પૂરા થશે. પીએમ મોદીએ દેશવાસીઓના નામે એક ઓડિયો સંદેશ બહાર પાડ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં ફક્ત ૧૧ દિવસ જ બાકી છે. મારું સૌભાગ્ય છે કે આ પુણ્ય અવસરનો સાક્ષી બનીશ. પ્રભુએ મને પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન તમામ ભારતવાસીઓનું પ્રતિનિધિત્વ કરવાનો નિમિત બનાવ્યો છે. જેને ધ્યાનમાં રાખતા આજથી હું ૧૧ દિવસના વિશેષ અનુષ્ઠાનની શરૂઆત કરી રહ્યો છું. હું તમારા બધા જનતા જનાર્દનથી આશીર્વાદનો આકાંક્ષી છું. હાલ મારી ભાવનાઓને શબ્દોમાં વર્ણવી ખુબ મુશ્કેલ છે પરંતુ મે મારા તરફથી એક પ્રયાસ કર્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે જીવનના કેટલાક ક્ષણ ઈશ્વરીય આશીર્વાદના કારણે જ યથાર્થમાં ફેરવાય છે. આજે આપણા બધા માટે દુનિયાભરમા ફેલાયેલા રામભક્તો માટે આવો જ એક પવિત્ર અવસર છે. ચારેબાજુ પ્રભુ શ્રીરામની ભક્તિનું અદભૂત વાતાવરણ છે. ચારેય દિશાઓમાં રામ નામની ધૂન છે. રામ ભજનોની અદભૂત સૌંદર્ય માધુરી છે. દરેકને ઈન્તેજાર છે ૨૨ જાન્યુઆરીનો, તે ઐતિહાસિક પવિત્ર પળનો. મારું સૌભાગ્ય છે કે મને પણ આ પુણ્ય અવસરનો સાક્ષી બનવાની તક મળી રહી છે. આ મારા માટે કલ્પનાતીત અનુભૂતિઓનો સમય છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું ભાવુક છું, ભાવવિહ્વળ છું. હું પહેલીવાર જીવનમાં આ પ્રકારના મનોભાવમાંથી પસાર થઈ રહ્યો છું. હું એક અલગ જ ભાવભક્તિની અનુભૂતિ કરી રહ્યો છું. મારા અંતર્મનની આ ભાવયાત્રા, મારા માટે અભિવ્યક્તિનો નહીં, અનુભૂતિનો અવસર છે. ઈચ્છવા છતાં હું તેની ગહનતા, વ્યાપક્તા અને તીવ્રતાને શબ્દોમાં બાંધી શક્તો નથી. તમે મારી સ્થિતિ સારી પેઠે સમજી શકો છો. જે સ્વપ્નને અનેક પેઢીઓએ વર્ષો સુધી એક સંકલ્પની જેમ પોતાના હદયમાં જીવ્યા, મને તેની સ્થિતિના સમયે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રભુએ મને તમામ ભારતવાસીઓનું પ્રતિનિધિત્વ કરવા માટે નિમિત બનાવ્યો છે.આ ખુબ મોટી જવાબદારી છે. જેમ કે આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે આપણે ઈશ્વરના યજ્ઞ માટે, આરાધના માટે, સ્વયંમાં પણ દૈવીય ચેતના જાગૃત કરવાની હોય છે.